જૂનાગઢ: સોમનાથ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. અહીં અકસ્માતમાં બે કાર સામસામે અથડાતા એક જ સમયે સાત લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે. તમને જણાવી દઈએ કે, મૃત્યુ પામનારમાં 5 યુવાન અને બે આધેડનો સમાવેશ થાય છે, જેની સાથે કારના બંને કાર ચાલકના મોત પણ થયા છે. અકસ્માતની ઘટના સામે આવતા જ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર મામલામાં FSL તપાસ સહિત અન્ય તપાસ શરૂ કરવામાં આવી છે.
વહેલી સવારે જૂનાગઢમાં થયો ગમખવાર અકસ્માત: જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે ભંડુરી ગામ નજીક ગોઝારો અકસ્માત થયો છે સવારના 8 થી 8:30 વાગ્યાના સમયમાં જૂનાગઢથી સોમનાથ તરફ જઈ રહેલી અને સોમનાથથી જૂનાગઢ તરફ આવી રહેલી બે કાર સામસામે અથડાતા તેમાં સાત લોકોના મોત થયા છે. સાત લોકો પૈકી એક કારમાં સવાર પાંચ યુવાનો તેમજ બે ચાલકોના મોત નીપજતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શોકનો માહોલ ફરી વળ્યો છે. ઘટના સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સોમનાથ તરફથી આવી રહેલી એક કારના ચાલકે કાબુ ગુમાવતાં બીજી તરફ જઈ રહેલી કાર સાથે અથડામણ થઈ હોય તેવું પણ સ્પષ્ટ જોવા મળે છે.
પોલીસનો કાફલો ઘટના સ્થળે:અકસ્માતની ઘટના ઘટતા જ માંગરોળ વિભાગીય પોલીસ અધિક્ષક ડી.વી. કોડીયાતર અને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સાથે પોલીસનો કાફલો તાલુકા મામલતદાર સહિત અધિકારીઓ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ જે લોકોના મોત થયા છે તેના મૃતદેહને માળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા FSL તપાસને લઈને પણ કામગીરી શરૂ કરાઈ છે. ઘટના સ્થળના સીસીટીવીમાં અકસ્માત કેદ થયો છે જેમાં એક કાર અચાનક ડિવાઈડર કુદીને બીજા માર્ગ પર પહોંચી જાય છે જેને કારણે સમગ્ર અકસ્માત થયો હોય તેવું પણ જોવા મળે છે.