જુનાગઢ : જુનાગઢ લોકસભા બેઠક પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે હાજર રહેલા રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મૂળુભાઈ બેરાએ ઈકોઝોનને લઈને ખેડૂતો માટે આગામી દિવસોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે તેવો હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. રાજ્ય સરકારની દરખાસ્ત કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગને મોકલી આપવામાં આવી છે. આગામી દિવસોમાં તેના પર કોઈ અંતિમ નિર્ણય થાય તો લોકસભાની ચૂંટણી પહેલા ઈકોસેન્સેટિવ ઝોનની કડાકૂટમાંથી ખેડૂતોને કંઈક અંશે રાહત મળે તેવી શક્યતાઓ છે.
Junagadh Eco Sensitive Zone: ઇકો ઝોનને લઈને વન પ્રધાનનો સંકેત, ખેડૂતોને મળી શકે છે સારા સમાચાર - Junagadh Loksabha Bethak
જુનાગઢ લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના શુભ આરંભ પ્રસંગે જુનાગઢ આવેલા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ પ્રધાન મૂળુભાઈ બેરાએ ઈકોઝોનને લઈને રાજ્ય સરકારની કામગીરીને લઈને ખૂબ જ સૂચક નિવેદન આપ્યું છે.
Published : Jan 23, 2024, 5:25 PM IST
ઇકો સેન્સિટિવ ઝોનમાં રાહતના સમાચાર : રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઈકોઝોનને લઈને કેન્દ્રની સરકારમાં વિધિવત દરખાસ્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા આ દરખાસ્તનો સ્વીકાર કર્યા બાદ ગીર વિસ્તારમાં ઇકોસેન્સીટીવ ઝોનને લઈને ખેડૂતો માટે કોઈ સારા સમાચાર મળે તેવા સંકેતો આપ્યા છે. ઈકોઝોન લાગુ થવાથી ગીર વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટી સમસ્યામાંથી પસાર થવું પડી રહ્યું છે. રાજ્ય સરકાર પણ ખેડૂતોની આ સમસ્યાથી માહિતગાર છે. ત્યારે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા ઈકોઝોનમાં કેન્દ્રની સરકાર કોઈ રાહત ચોક્કસ કરશે તેવા સંકેતો આજે વન અને પર્યાવરણ પ્રધાન મૂળુભાઈ બેરાએ આપ્યા હતાં.
રાજેશ ચુડાસમાનું નિવેદન : જુનાગઢ લોકસભા બેઠક પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકવાને લઈને જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉ લોકસભાનો ઉમેદવાર જાહેર થયા બાદ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ થતું હોય છે. પરંતુ આ વર્ષે ભાજપે ચુંટણીની રણનીતિમાં બદલાવ કર્યો છે. ઉમેદવાર જાહેર થતાં પૂર્વે જ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી છે જે પ્રત્યેક કાર્યકરોમાં ચૂંટણીલક્ષી ઉત્સવનો સંચાર કરશે. પોતે ઉમેદવાર છે કે કેમ તેવા સવાલોના જવાબમાં રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે કમળ લઈને આવેલો કોઈપણ કાર્યકર પાર્ટીનો ઉમેદવાર હશે જે કોઈ પણ કાર્યકરને પાર્ટી કમળનો ઉમેદવાર બનાવશે તેને જીતાડવા માટે સૌ કોઈ કામે લાગી જશે. પાર્ટી એ બે વખત મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મને સાંસદ બનાવ્યો છે. પાર્ટી મારા નામ પર સહમત થશે તો હું પણ પક્ષના આદેશને માન આપીને લોકસભાની ચૂંટણી ભાજપના કાર્યકર તરીકે લડીશ.