કચ્છ :કરોડોના ડ્રગ્સ કાંડમાં પાલારા જેલ હવાલે કરેલ આરોપી ભુજ પોલીસને ચકમો આપીને ફરાર થયો છે. કેદી જોબનજીતસિંઘ સંધુને અમૃતસર કોર્ટમાં હાજર કરી પરત આવતા સમયે પોલીસકર્મીઓની નજર ચૂકવી નાસી છૂટયો હતો. લાંબી તપાસ કરવા છતાં કેદીનો કોઈ પત્તો ન મળતા પંજાબ અને ગુજરાત પોલીસ ધંધે લાગી છે.
ડ્રગ કાંડનો દોષિત જોબનજીતસિંઘ :ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા અમૃતસરનો આરોપી જોબનજીતસિંઘ સંધુ કચ્છની પાલારા ખાસ જેલમાં કેદ છે. તેના કેસની અમૃતસરમાં મુદ્દત હોવાથી ભુજની પાલારા જેલમાંથી અમૃતસર લઈ જવાયો હતો. ભુજ પોલીસ હેડક્વાર્ટરના રિઝર્વ સબ ઇન્સ્પેકટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓના જાપ્તા હેઠળ જોબનજીતસિંઘને ગતરોજ સવારે અમૃતસર સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો.
પોલીસને થાપ આપી કેદી ફરાર :કોર્ટની સુનાવણી બાદ કેદી સાથે પોલીસ ટીમ ભુજની પાલારા ખાસ જેલ ખાતે આવવા પરત રવાના થઈ હતી. કેદીને ભુજ પરત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે અમૃતસરથી થોડેક આગળ એક હાઈવે ઢાબા પર બપોરના 12:30 વાગ્યાના સમયગાળામાં સૌ ભોજન કરવા રોકાયાં હતાં. તે સમયે જોબનજીતસિંઘ શૌચક્રિયા માટે ગયો હતો.
આ ઘટના અંગે જાણ થતાં ગુજરાત પોલીસ અને પંજાબ પોલીસ બંને સાથે મળીને આરોપીની શોધખોળ કરી રહી છે. વધુ વિગતો મળ્યા બાદ તપાસ કરી વિગતો આપવામાં આવશે. -- એ.આર.ઝણકાત (નાયબ પોલીસ અધિક્ષક)
આવી રીતે ભાગ્યો આરોપી : પરંતુ શૌચાલય જવું તો એક બહાનું હતું. કેદી શૌચક્રિયાનું બહાનું આપી પોલીસકર્મીઓની નજર ચૂકવીને નાસી ગયો હતો. જોબનજીતસિંઘ ફરાર થતા પોલીસ કર્મચારીઓ આસપાસના રાયડાના ખેતર ખૂંદી વળ્યાં હતાં. તેમજ આસપાસ છુપાઈ શકે તેવા વિસ્તારોમાં પણ સઘન તપાસ કરી હતી, પરંતુ કેદીનો કોઈ અતોપત્તો મળ્યો નહોતો. આ સમગ્ર મામલે સ્થાનિક પંજાબ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પંજાબ પોલીસની મદદ માંગી :પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપી અમૃતસરમાં જ ક્યાંક છૂપાયો હોવાનું સ્થાનિક પોલીસ માની રહી છે. તો જ્યારે જોબનના ફરાર થયો ત્યારબાદ થોડા સમય બાદ જે હોટેલ પર પોલીસ ટીમ અને આરોપી જમવા રોકાયા હતા, ત્યાં આરોપીની માતા, ભાઈ-ભાભી અને અન્ય સગા સંબંધીઓ પહોંચી ગયા હતા. ઉપરાંત તેમણે પોલીસ સાથે માથાકૂટ કરી અને પોલીસની તપાસમાં ખલેલ પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પોલીસ કાર્યવાહી :સમગ્ર મામલે ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલા નાયબ પોલીસ અધિક્ષક એ.આર.ઝણકાતે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે જાણ થતાં ગુજરાત પોલીસ અને પંજાબ પોલીસ બંને સાથે મળીને આરોપીની શોધખોળ કરી રહી છે. વધુ વિગતો મળ્યા બાદ તપાસ કરી વિગતો આપવામાં આવશે.
- Collector Pradeep Sharma Case : કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા કોર્ટે દોષી ઠેરવ્યા, જાણો શું હતો મામલો
- Dilip Ahir Honey Trap Case : પાલારા જેલ મહિલા યાર્ડમાં સરપ્રાઈઝ ચેકીંગ, તપાસમાં હાથ લાગી ચોંકાવનારી વસ્તુઓ