જૂનાગઢ:જેતપુરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી પ્રદૂષિત પાણીને DPC પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇન મારફતે પોરબંદર નજીકના દરિયામાં મુક્ત કરવાના પ્રોજેક્ટને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સમસ્ત ખારવા સમાજ દ્વારા જેતપુરના પ્રદૂષિત પાણીને દરિયામાં મેળવવાના પ્રોજેક્ટને પડતો મુકવાની માંગ સાથેનો આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર આ પ્રોજેક્ટ રદ કરે તેવી માંગ પણ સમસ્ત ખારવા સમાજ અને માછીમારો ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિઓ કરી રહ્યા છે.
જેતપુરના DPC પ્રોજેક્ટનો વેરાવળમાં વિરોધ: જેતપુરના ઔદ્યોગિક એકમોમાંથી પ્રદૂષિત અને કેમિકલ યુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં મેળવવા માટે DPC પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. જેતપુરમાંથી પ્રદૂષિત અને રસાયણ યુક્ત કારખાનાનું પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં પહોંચાડવામાં આવી રહ્યું છે. જેનો વિરોધ હવે સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા સમાજ અને માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિ કરી રહ્યા છે. આજે વેરાવળમાં સમસ્ત વેરાવળ ખારવા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્રની સરકાર પડતો મૂકીને દરિયાઈ જીવસૃષ્ટિની સાથે દરિયાને સુરક્ષિત કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
કેમિકલ યુક્ત પાણીથી ખૂબ મોટું નુકસાન:સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો માછીમારી ઉદ્યોગ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. જેતપુરમાંથી જો કેમિકલ યુક્ત અને રસાયણવાળું પાણી દરિયામાં ઠાલવવામાં આવશે, તો દરિયાઈ જીવસૃષ્ટિની સાથે માછીમારી ઉદ્યોગને પણ ખૂબ જ નુકસાન થશે વધુમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર ઓપરેશન વ્હેલ શાર્ક અને ડોલ્ફિન ચલાવી રહી છે.