પ્રથમ ગુજરાતી જોકી અને ટ્રેનર જયંતીલાલ ગોર... કચ્છ :ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન વિકાસ પામેલી રેસિંગ અર્થાત અશ્વદોડ સ્પર્ધામાં આજે કરોડો રૂપિયાની ઉથલપાથલ થાય છે. આજે આપણે વાત કરીશું કચ્છના 76 વર્ષીય જોકી જયંતીલાલ ગોર અંગે જેઓ વર્ષ 1965 માં રેસકોર્સમાં કચ્છી જોકી બન્યા હતા. 1996 માં પ્રથમ કચ્છી ગુજરાતી જોકીમાંથી ટ્રેનર બન્યા હતા.
સૌથી ઉત્તમ અશ્વનું કેન્દ્ર મુંબઈ :રજવાડાઓના સમયમાં હોર્સ રેસિંગની અનેક હરીફાઈઓ યોજાતી હતી. પરંતુ અંગ્રેજોએ તેને કાયદેસરની માન્યતા બક્ષીને તેમાં લગાવટનું તત્વ મેળવ્યું હતું. ભારતમાં હાલમાં મુંબઈ અને પુણે સહિત બેંગલોર, કલકત્તા, મૈસુર, મદ્રાસ, હૈદરાબાદ તથા દિલ્હીમાં આવેલા રેસકોર્સ પર નિયમિત રેસિંગ થાય છે. પરંતુ સૌથી ઉત્તમ અશ્વનું કેન્દ્ર મુંબઈ ગણાય છે.
કચ્છના જોકી જયંતીલાલ ગોર :હાલમાં રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડ દ્વારા મુંબઈ અને પૂણે રેસકોર્સનો વહીવટ સંભાળવામાં આવી રહ્યો છે. અશ્વના અનેક માલિક, ટ્રેનર અને જોકે અહીં કારકિર્દી બનાવી છે. પ્રથમ ગુજરાતી અને મૂળ કચ્છી એવા જયંતીલાલ ગોરની જોકી અને ટ્રેનર તરીકેની કારકિર્દી પણ અહીં બનેલી છે.
ઘોડેસવારીની વિરાસત :જયંતીલાલ ગોર મૂળ કચ્છના નાગલપુર ગામમાં જન્મેલા છે, હાલ તેઓ પુણેમાં સ્થાયી થયા છે. જયંતીલાલને પિતાજીએ પાળેલા અશ્વ પર સવારી કરીને સ્થાનિક મેળાઓમાં હરીફાઈ કરવાનો નાનપણથી શોખ હતો. એ શોખ તેમને રેસિંગમાં કારકિર્દી બનાવવા માટે આગળ લઈ આવ્યો. નાનપણમાં 10 વર્ષની ઉંમરે તેમનું વજન ઓછું હોવાથી ઘોડે સવારી સ્પર્ધામાં ઝડપથી ઘોડા દોડાવી શકતા હતા, જેના કારણે તેઓ વિજેતા બનતા હતા. બાદમાં તેઓ જોકી તરીકે આગળ આવવા માટે મુંબઈ આવ્યા હતા.
જોકી તરીકે 339 રેસ જીતી :વર્ષ 1965માં જોકી શાળામાં માસ્ટર અમીર અહેમદ પાસે તાલીમ મેળવીને 1967માં એપ્રેન્ટીસ જોકીનું લાઇસન્સ મેળવ્યું હતું. પ્રથમ વર્ષે જ પુણે સિઝનમાં ટ્રેનર કે. એચ. ઈરાનીના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયન બન્યા હતા. તાલીમ સમયે દેશી ઢબે ઘોડા પર કૂદકો મારીને ચડતા જોઈ મુંબઈના લોકો આશ્ચર્યચકિત થયા હતા. વર્ષ 1994 સુધી તેમણે જોકી તરીકે કારકિર્દી ચાલુ રાખી અને 339 જેટલી રેસ જીતી હતી. જોકી તરીકે તેમણે 26 વર્ષની કારકિર્દીમાં મોટી મોટી રેસ અને ખિતાબ જીત્યા છે. જેમાં સૌથી મોટી રેસ ગણાતી બાયકલા ગોલ્ડ કપ ક્લબની રેસ પણ તેઓ જીત્યા હતા, જેમાં 35 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.
મોતને માત આપી જીવનની રેસ જીત્યા :વર્ષ 1982માં ઉટીમાં રેસ દરમિયાન તેમના ઘોડા સાથે એક અકસ્માત થયો હતો. જેમાં તેઓ 11 દિવસ માટે કોમામાં રહ્યા અને ડોક્ટરે તેમના જીવવાની માત્ર 10 ટકા જ ઉમ્મીદ આપી હતી. મુંબઈના અમુક સમાચાર પત્રએ તેમને મૃત ઘોષિત પણ કરી દીધા હતા. પરંતુ પોતાના વિલ પાવરની મદદથી તેઓ ફરી બેઠા થયા અને 3 મહિનાની અંદર ફરીથી હોર્સ રેસિંગ કરતા થઈ ગયા હતા.
ટ્રેનર તરીકેની કારકિર્દી :વર્ષ 1995 સુધી તેઓ જોકી તરીકે રેસમાં ભાગ લેતા અને ત્યારબાદ તેમનું વજન વધી જતાં વર્ષ 1996 માં ટ્રેનર દશરથ સિંહ પાસે મદદનીશ તરીકે જોડાયા હતા. તેમણે ટ્રેનર તરીકેનું લાયસન્સ મેળવ્યું અને પ્રથમ વર્ષે જ મુંબઈ અને પુણે બન્ને સેન્ટરમાં છ જેટલી રેસમાં જોકી તેમના માર્ગદર્શનમાં વિજેતા બન્યા હતા. ટ્રેનર તરીકે તેમની પાસે 20 જેટલા ઘોડા અને 35 લોકો તાલીમ મેળવતા હતા. ટ્રેનર તરીકે તેઓ 200 જેટલી રેસ જીત્યા હતા. તેમની પાસે ઘોડા સંબંધિત તમામ પ્રકારનું જ્ઞાન હતું. ખાસ કરીને ઘોડાની ખરીદી કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં લેવા તેમજ ઘોડાને કેવી રીતે ટ્રેઈન કરવો તેના માટે પ્રખ્યાત હતા.
55 વર્ષની કારકિર્દી :જયંતીલાલ ગોરે ટ્રેનર તરીકે અનેક સેલિબ્રિટીના ઘોડાઓને પણ ટ્રેનિંગ આપી છે. જેમાં પ્રખ્યાત સાયરસ પુનાવાલાના ઘોડાને પણ તેમને ટ્રેનિંગ આપી છે. તો સાથે જ ફિલ્મી કલાકારોમાં ધર્મેન્દ્ર, જેકી શ્રોફ, સંજય દત્ત, ચંપક ઝવેરી વગેરેના ઘોડાને તેમણે ટ્રેનિંગ આપી અને તેમના ઘોડા રેસમાં તેમણે દોડાવ્યા પણ છે. હોર્સ રેસિંગમાં 55 વર્ષની કારકિર્દી પૂર્ણ કર્યા બાદ તેમને રિટાયર કરવામાં આવ્યા છે.
- Banaskantha News: મુડેઠામાં સવા બે મણનું બખ્તર પહેરી આવ્યા અશ્વસવાર, 750 વર્ષથી ચાલતી પરંપરાગત અશ્વદોડનો રસપ્રદ ઈતિહાસ
- Horse Racing Competition : જામનગરના આ ગામમાં અફઘાનિસ્તાન જેવા દ્રશ્ય સર્જાયાં, જાતવાન અશ્વોની દોડનો રોમાંચ