જામનગરનું વામ્બે આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે, ડોક્ટર વિના દર્દીઓ બન્યા નોધારા - Vambe Health Centre
જામનગરમાં વોર્ડ નંબર છ માં આવેલા વામ્બે આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોક્ટર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Published : Jun 6, 2024, 6:09 PM IST
જામનગર: જામનગરમાં વોર્ડ નંબર છ માં આવેલા વામ્બે આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોક્ટર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો. વામ્બે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર બથવાર ફરજ નિભાવી રહ્યા છે જોકે ડોક્ટર બથવાર ડબલ્યુ એચ ઓ ની ટ્રેનિંગમાં ગયા હોવાના કારણે અહીં એક પણ ડોક્ટર હાજર ન હતા. અન્ય ડોક્ટરને ચાર્જ સોંપવામાં આવ્યો પણ આ ડોક્ટર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા ન હતા જેના કારણે દર્દીઓએ બે બે ત્રણ ત્રણ કલાક સુધી આરોગ્ય કેન્દ્ર પર બેસવાનો વારો આવ્યો છે.
સ્થાનિક કોર્પોરેટર રાહુલ બોરીચા તાત્કાલિક કટાસરા પહોંચ્યા હતા અને દર્દીઓ સાથે વાતચીત કરી અને તાત્કાલિક અન્ય ડોક્ટર આરોગ્ય કેન્દ્ર પર રાખવામાં આવે તેવી માંગ કરી છે.
સ્થાનિકો જણાવી રહ્યા છે કે અઠવાડિયામાં બે થી ત્રણ વખત અહીં ડોક્ટ ર હાજર ન હોવાના કારણે લોકોએ જીજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડે છે.
જોકે જામનગરમાં આવેલા અન્ય આરોગ્ય કેન્દ્રમાં બે થી ત્રણ ડોક્ટરો રાખવામાં આવે છે માત્ર વામ્બે આરોગ્ય કેન્દ્રમાં એક જ ડોક્ટર રાખવામાં આવ્યો છે. કારણ કે વોર્ડ નંબર છ માં મોટાભાગનો વિસ્તાર સ્લેમ છે અને ડોક્ટર્સ સ્લમ વિસ્તારમાં કામ કરવા ન માંગતા હોવાની વાતો પણ ઉઠી હતી.
દલિતો અને અન્ય નાની જ્ઞાતિઓ આ વિસ્તારમાં વસવાટ કરી રહી છે. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે, આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક અન્ય ડોક્ટરની પણ ફાળવણી કરવામાં આવે જેના કારણે સ્થાનિકોએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું ન પડે.