જામનગર:પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રએ નક્કર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું છે. રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પીરોટન ટાપુ દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા ઉદ્યોગની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ટાપુ છે. અહીં જો ગેરકાયદેસર દબાણો રહે તો આવનાર સમયમાં તે મુશ્કેલી સર્જી શકે છે. પરિણામે કાર્યવાહી કરી બુલડોઝર ફેરવીને તેને દૂર કરવામાં આવ્યા છે. ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી ભવિષ્યમાં દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
કડક કાર્યવાહી પાછળના આ છે કારણો:
રાષ્ટ્રીય સુરક્ષા:પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે.
સમુદ્રી જીવસૃષ્ટિ:પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.