વરસાદ બાદ ફૂલના ખેતરો ધોવાયા, ભાવમાં થયો ડબલ વધારો (ETV Bharat Gujarat) જામનગર :સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે. જામનગર નજીક આસપાસના ગામમાં ફૂલોના વ્યાપક ખેતરો આવેલ છે. ત્યારે જામનગરમાં વિપુલ પ્રમાણમાં પાકોના નુકશાનની સાથે ફૂલોના ખેતરો પણ ધોવાય ગયા છે. બજારમાં માંગ સામે ફૂલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થતા ભાવ વધ્યા છે. તહેવાર સમયે ફૂલોની બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે.
ફૂલના ખેતરો ધોવાયા :જામનગરમાં ફૂલોની ખેતીની વાત કરીએ તો મોરકંડા, મોખાણા, વિજરખી, થાવરીયા અને દડિયા સહિતના ગામમાં ફૂલોની ખેતી થાય છે. હાલ આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરો ધોવાઈ ગયા છે અને ફૂલોના પાકને લાખોનું નુકશાન પહોંચ્યું છે.
ફૂલ બજારમાં મંદીનો માહોલ :જામનગરની બજારમાં 20 દિવસ પહેલા ફૂલના કિલોએ રૂ. 80 થી 150 ભાવ હતા. હાલ તે તમામ ફૂલોના ભાવ રૂ. 200 થી 1000 પહોંચતા ફૂલોની બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે. હાલ શહેરમાં ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમો સહિતના આયોજનો દરમિયાન ફૂલના વેપારીઓ પાસે લોકો ફૂલની માંગ મર્યાદિત કરતા થયા છે.
વેપારીઓની હાલત કફોડી :દર વર્ષે ફૂલના વેપારીઓ ફૂલોના હાર, બુકે, ફૂલ ડેકોરેશન જેવી બાબતો માટે 80 થી 100 જેટલા ઓર્ડર બુક કરતા હોય છે. પરંતુ આ વર્ષના વરસાદ બાદ હાલ જૂજ પ્રમાણમાં ફૂલોના ઓર્ડર વેપારીઓને મળી રહ્યા છે. ગ્રાહકો પણ આર્ટિફિશિયલ ફૂલોના ઉપયોગ તરફ વળ્યાં છે. વેપારીઓને રોજે-રોજ દુકાનનું ભાડું, માણસોના પગાર સાથે આર્થિક બોજો વધી ગયો છે. પરિણામે ફૂલના વેપારીઓની હાલત કફોડી બની છે.
- વિકાસની આડમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે વિપક્ષે જામનગર મનપા કચેરી માથે લીધી
- ચાઇનીઝ લસણ વિરુદ્ધ હાપા યાર્ડમાં આંદોલન : ખેડૂતો અને વેપારીઓએ કર્યા સુત્રોચ્ચાર