ભરુચઃ જંબુસરના મગણાદ ગામ પાસે ઇકો કાર ઊભેલી ટ્રકમાં ઘુસી જતા અકસ્માત થયો હતો જેમાં 7 વ્યક્તિના મોત થયા હતા અને જ્યારે તેમની અંતિમયાત્રાઓ નીકળી ત્યારે લોકો પણ શોકમાં ગરકાવ જોવા મળ્યા હતા. જંબુસરના વેડચ, ટંકારી, પાંચકડા અને વાગરાના અલાદર ગામ મૃતકોની અંતિમયાત્રામાં ગામ હિબકે ચઢ્યા હતા. પરિવારજનો તો એટલી હદે દુઃખી અને આઘાતમાં જોવા મળ્યા હતા કે કોઈ દીકરાને પાછો આપોનો વિલાપ કરતું હતું તો કોઈ સાવ મૌન અને સ્તબ્ધ બની ગયું હતું જાણે કે ઘટનામાં સ્વજનના અવસાનને તેમનું મન સ્વિકારવા તૈયાર જ ન્હોતું. સાત કલાકમાં ભરૂચ એક્સપ્રેસ વે પર માતર ગામ નજીક ત્રણ વાહનો ભટકાતા માતા-પુત્રના પણ જીવનદીપ બુઝાયા અને બેને ઇજા થઈ છે.
7 કલાકમાં 9 લોકોના મૃત્યુઃ ભરૂચના જંબુસરથી શુકલતીર્થ મેળામાં જતા મગણાદ ગામ નજીક ઉભેલી ટ્રકમાં ઇકો કાર ઘુસી જતા 7 લોકોના મૃત્યુ અને 3 ને ઇજાઓ પહોંચી હતી. ગોઝારા અકસ્માતમાં 4 ગામમાંથી અંતિમ યાત્રા નીકળતા ગમગીની છવાઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં મંગળવારની રાતથી વહેલી સવાર સુધી 7 કલાકમાં સર્જાયેલા બે અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થતા શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
કેવી રીતે થયો અકસ્માતઃ જબુંસર તાલુકાના ટંકારી બંદર, વેડચ પાંચકડા અને વાગરાના અલાદર ગામના સગાસંબંધીઓ ઇકો કાર GJ -16-AU 6225 લઈને ભરૂચ શુકલતીર્થ જાત્રા- મેળામાં જઈ રહ્યા હતા. મગણાદ ગામ નજીક હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર કાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂર હોય વડોદરા ખાતે રિફર કરાયા હતા.
લોકોએ કાપ્યા કારના પતરાઃ અકસ્માતની જાણ થતા જબુંસર PI એ.વી. પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી. લોકોએ પણ ઇકોના પતરા કાપી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. જ્યારે ડીવાયએસપી પી.એલ.ચૌધરી, જબુંસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી જબુંસર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ પર લોકો ટોળા ઉમટી પડ્યા હતા. મૃતકોમાં 3 મહિલા, 2 બાળકો, એક કિશોર અને એક પુરુષનો સમાવેશ થાય છે. મંગળવારે 6 મૃતકોની અંતિમવિધિ અને સ્મશાન યાત્રા નીકળતા પરિજનો અને ગામ હિબકે ચઢ્યું હતું.