અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, આપ અને કોંગ્રેસ સહિતના પક્ષો તથા અપક્ષો ચૂંટણી પ્રચારની તૈયારીમાં લાગ્યા છે. આ દરમિયાનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે વાત કરી હતી.
નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ઈચ્છશે તો AAP ગઠબંધન કરવાનું વિચારશેઃ ઈસુદાન - LOCAL BODY ELECTION 2025
બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરીઃ ઈસુદાન ગઢવી
![નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ઈચ્છશે તો AAP ગઠબંધન કરવાનું વિચારશેઃ ઈસુદાન ઈસુદાન ગઢવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-01-2025/1200-675-23379679-thumbnail-16x9-x.jpg)
Published : Jan 22, 2025, 7:26 PM IST
આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને, અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું. બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી છે. નગરપાલિકાઓની ચૂંટણીમાં લોકો ભાજપને જવાબ આપશે. આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાઓમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે. સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. લાઈટ બીલ પણ નગરપાલિકાઓ ભરી ના શકે તેવી હાલત કરી, તેવી ભાજપને ચૂંટણીમાં જવાબ આપો.
તેમણે કહ્યું કે, કેજરીવાલજીનું નગરરાજનું સપનું લઈને આમ આદમી પાર્ટી આગળ વધશે. નગરરાજ અનુસાર જે સોસાયટી નક્કી કરે તે અનુસાર કોર્પોરેટર પોતાનું ફંડ વાપરશે. જો નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન બનાવવાનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે, તો આમ આદમી પાર્ટી તેના પર જરૂર વિચાર કરશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, જો કોંગ્રેસ આગામી નગરપાલિકા ચૂંટણી દરમિયાન ગઠબંધન કરવા માગશે તો અમે તે અંગે પણ વિચારશું.