કચ્છ: 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'ના સૂત્રને સાર્થક કરતું કચ્છ પ્રવાસન ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે અને અહીંના વિશ્વવિખ્યાત સફેદ રણ ખાતે પહોંચે છે. પરંતુ કચ્છને એક જ સ્થળે જાણવા અને તેને સમજવા માટેનું એક સ્થળ એવું છે કે જેને મોટાભાગના પ્રવાસીઓ ભૂલી જાય છે. અને એ સ્થળ છે કચ્છનું 'ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ'. જિલ્લાની વિવિધ સંસ્કૃતિ, કચ્છનું ભૂગોળ અને કચ્છના ઇતિહાસને આ નાનકડું મ્યુઝિયમ સંગ્રહીત કરીને બેઠું છે. કેહવાય છે કે, જેમણે આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ નથી જોયું તેમણે કચ્છ પણ નથી જોયું.
કચ્છનું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ: પૂર્વ કચ્છ વનવિભાગના વડા રહી ચૂકેલા રામસિંહજી રાઠોડ દ્વારા વર્ષ 1980માં આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું હતું. કચ્છની લોક સંસ્કૃતિ પર સતત અધ્યયન કરતા રામસિંહજીએ કચ્છમાં વસતા તમામ સમાજની સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે આ મ્યુઝિયમમાં સ્થાન આપ્યું છે. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ આજે પણ રામસિંહજી દ્વારા સ્થપાયેલ ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. આમ, જેને સમગ્ર કચ્છ માણવું અને જાણવું હોય તેને આ મ્યુઝીયમની મુલાકાત અચૂકપણે લેવી જોઈએ.
વર્ષ 1980માં આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું (Etv Bharat Gujarat) ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ બે ભાગોમાં વહેંચાયેલો છે: ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ બે ભાગોમાં વહેચાયેલું છે. પ્રથમ ભાગના મ્યુઝિયમમાં સાહિત્ય ચિત્રો, પુરાતત્વીય સંગ્રહો, પરંપરાગત વસ્તુઓ, હસ્તકળા વગેરે જોવા મળે છે. કચ્છના પારંપરિક સંગીત વાદ્યો, ભૂસ્તરશાસ્ત્રને લગતા પથ્થર, અશ્મિભૂત અવશેષો તેમજ દુર્લભ ફોટા અહીં જોવા મળે છે. કચ્છના વાસણો, ચલણી સિક્કાઓ, હથિયારો તો કચ્છના વિવિધ સમાજોના ભરતકામ, તેમનું પહેરવેશ, દરેક સમાજના લોકોની માથા પર પહેરવાની ટોપી તેમના દાગીના થકી કચ્છની વૈવિધ્યતાને ઉત્કૃષ્ટ રીતે અહીં દર્શાવવામાં આવ્યું છે.
ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ (Etv Bharat Gujarat) ગ્રામ્ય જીવન પણ ઉભુ કરવામાં આવ્યું: ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમના બીજા ભાગમાં કચ્છીયત કમઠાણ નામનું ગ્રામ્ય ઉદ્યાન પ્રવાસીઓને કચ્છના ગ્રામ્ય લોકોની રહેણીકરણીથી માહિતગાર કરે છે. જેમાં વિવિધ સમાજના રહેઠાણના ઘરો કેવા હોય તે દર્શાવતા વિવિધ નમૂનાઓ બનાવવામાં આવ્યા છે. કચ્છના ગ્રામીણ જીવનનું એક સુંદર ચિત્ર અહીં પ્રવાસીઓને સ્પષ્ટ થાય છે. જેમાં દેશી ભુંગો, જળકુંડ, માટીના વાસણો સહિત ગ્રામ્ય જીવનમાં વપરાશમાં લેવાતી દરેક વસ્તુઓ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ મ્યુઝિયમમાં ટેરા કોટાની વસ્તુઓને માણસના જીવન સાથે સરખાવીને કેસર ચોરોમાં સમજ આપવામાં આવી છે કે માણસ જન્મથી મૃત્યુ સુધી માટી સાથે જ સંકળાયેલો છે. આ જ વિભાગમાં વિશ્વ વિખ્યાત બનેલા કચ્છના સફેદ રણ અને 'રોડ ટુ હેવન'ની પ્રતિકૃતિ પણ દર્શાવવામાં આવી છે. ઉપરાંત અહીં દરબારી ડોલી પણ રાખવામાં આવી છે જ્યાં લોકો પોતાની તસવીર પણ ખેંચાવી શકે છે.
વર્ષ 1980માં આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું (Etv Bharat Gujarat) દરેક વસ્તુ યુનિક અને 200 વર્ષ જૂની:ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં મુકાયેલ દરેક વસ્તુનો એક આગવું મહત્વ છે અને તે ઓછામાં ઓછા 200 વર્ષ જૂના હોવાનું મ્યુઝિયમના ક્યુરેટર નીતાબેન જોષીએ જણાવ્યું હતું. આ દરેક વસ્તુ અહીં મૂકવા અને આપવા પાછળ પણ એક કારણ છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ કદાચ આ મ્યુઝિયમને માત્ર એક સંગ્રહાલય તરીકે નિહાળે છે, પરંતુ હકીકતમાં આ મ્યુઝિયમ કચ્છના ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળ ઉપરાંત જીવનની અનેક મહત્વની બાબતો શિખવાડતું સ્થાન છે.
ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ (Etv Bharat Gujarat) કચ્છના ઇતિહાસ, સંસ્કૃતિ વિજ્ઞાન, જહાજવિદ્યા, લોકકળા, સાહિત્યથી વાકેફ કરવા માટેના પ્રયત્નો:
4.5 દાયકા જૂના ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં વિવિધતામાં એકતા જોવા મળે છે અને અહીં ભારતની યુગો જૂની સાધનાને કચ્છના ઇતિહાસ, સંસ્કૃતિ વિજ્ઞાન, જહાજવિદ્યા, લોકકળા, સાહિત્યથી વાકેફ કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમના પ્રવેશદ્વાર પર કચ્છનો નકશો, કચ્છના રણની આકૃતિ કંડારેલી છે. રણમાં ચોમાસે પાણી ભરાય ત્યારે દરિયા સમાન લાગતા તેના પ્રતીક સ્વરૂપ તરતી માછલીઓ તેમજ કચ્છની ભૂમિમાં ધરબાયેલા જ્યુરાસિક કાળના એમોનાઇટ પણ દર્શાવવામાં આવ્યા છે.
4.5 કરોડ વર્ષ જૂનું મગરનું ફોસિલ્સ જુલરાઈ ગામેથી મળી આવ્યું હતું (Etv Bharat Gujarat) 4.5 કરોડ વર્ષ જૂનું મગરનું ફોસિલ્સ આકર્ષણનું કેન્દ્ર:મ્યુઝિયમના આકર્ષણોની વાત કરવા આવે તો કચ્છમાં ભૂસ્તરીય અભ્યાસ માટે આવેલા અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીને 4.5 કરોડ વર્ષ જૂનું મગરનું ફોસિલ્સ જુલરાઈ ગામેથી મળી આવ્યું હતું, જે અહીં જોવા મળે છે. અમેરિકન ભૂસ્તર શાસ્ત્રી ડૉક્ટર હેન્સ થેવીસન અનેક વર્ષોથી કચ્છમાં ભૂસ્તરીય અભ્યાસ માટે આવે છે. તેમને મળી આવેલા મગરના અશ્મિમાં મગરનું અશ્મિ એટલું વિશાળ છે કે તેનું નીચેનું જબડું જ એક મીટર લાંબુ છે અને આખું શરીર અંદાજિત 12 મીટર લાંબુ હોઈ શકે છે.
કચ્છના ઇતિહાસને આ નાનકડું મ્યુઝિયમ સંગ્રહીત કરીને બેઠું છે (Etv Bharat Gujarat) તમને જણાવી દઈએ કે, 4.5 કરોડ વર્ષ પહેલાં કચ્છ એ છીછરા સમુદ્રથી ઘેરાયેલું હતું પરિણામે આ મગર તે સમુદ્રમાં રહેતા હોવાનું અનુમાન લગાવી શકાય છે. મગરના હાડપિંજરના જે ભાગો અહીં મળી આવ્યા છે તેમાંથી વર્તુળાકાર ગોઠવાયેલા દાંત સાથેના તાળવાનો પણ સમાવેશ થાય છે. આ મગરના હાડપિંજરના કરોડરજ્જુ અને હાડકાના કેટલાક ટુકડા પણ મળી આવ્યા હતા, જેને અહીં મ્યુઝિયમમાં દર્શાવવામાં આવ્યા છે.
વર્ષ 1980માં આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું (Etv Bharat Gujarat) સામાજિક-ધાર્મિક પરંપરા તથા ટેરાકોટાની વસ્તુઓની માહિતી:અન્ય આકર્ષણોમાં અહીં લટકાવવામાં આવેલ ઘંટના ઘંટારવમાં `રા' `ઓમ' એટલે આપણી સંસ્કૃતિનો સામવેદનો ઓમનાદ બ્રહ્મસાદ પણ સંભળાય છે. આ મ્યુઝિયમમાં સોલંકી યુગની 9માં સૈકાની શિલ્પ મૂર્તિઓ તથા ગ્રામ્ય જીવનના અલગ બાંધણી ધરાવતાં રહેઠાણો-ભૂંગા, કુરનની કરઈ તથા ગ્રામ્યજીવનના પહેરવેશ, પર્યાવરણ, રહેણીકરણી, સામાજિક-ધાર્મિક પરંપરા તથા ટેરાકોટાની વસ્તુઓની માહિતી પણ આપવામાં આવી છે.
4.5 કરોડ વર્ષ જૂનું મગરનું ફોસિલ્સ જુલરાઈ ગામેથી મળી આવ્યું હતું (Etv Bharat Gujarat) અગિયારમી સદીમાં કંડારાયેલી તામ્રશિલ્પની મૂર્તિ પણ પ્રદર્શિત:મ્યુઝીયમના અન્ય ભાગમાં કે જ્યાં કાષ્ટ વિભાગ દર્શાવવામાં આવ્યું છે તેમાં ભારતના 108 પ્રકારના લાકડાંના નમૂના સાથે માંડવીનું પ્રખ્યાત 'કોટિયો' વહાણનું મોડેલ પણ દર્શાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીનો પત્ર, સરદાર વલ્લભભાઇનો પત્ર તથા ડૉ. રાધાકૃષ્ણન સર્વપલ્લીના હસ્તે મળેલ એવોર્ડ પણ સાચવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મ્યુઝિયમમાં અગિયારમી સદીમાં કંડારાયેલી તામ્રશિલ્પની મૂર્તિ પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
કચ્છના ઇતિહાસને આ નાનકડું મ્યુઝિયમ સંગ્રહીત કરીને બેઠું છે (Etv Bharat Gujarat) સમગ્ર કચ્છ એક જ જગ્યાએ:આ મ્યુઝિયમના શરુઆતના ભાગમાં જ 25 પૈસાના માપ જેટલી અર્જુન-કૃષ્ણ રથ સહિત ચિત્ર સાથેની પૂરી માઇક્રો ગીતાજી તેમજ અકબરના પુત્ર જહાંગીરના સિક્કા પણ સંગ્રહિત કરવામાં આવ્યા છે. તો સહજાનંદ સ્વામીએ પોતાના માટે ઉપયોગમાં લીધેલા વાસણો તથા પુસ્તકોને પ્રસાદી રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આમ, આ મ્યુઝિયમ કચ્છના ઇતિહાસ, કચ્છની સંસ્કૃતિ, કચ્છના અશ્મિઓ, કચ્છની કલાઓ, કચ્છનું સંગીત, કચ્છના સાહિત્યને સંગ્રહીને બેઠું છે.
વર્ષ 1980માં આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું (Etv Bharat Gujarat) દરરોજ 8:30 થી 6:15 વાગ્યા સુધી ખુલ્લું હોય છે મ્યુઝિયમ:ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ રણોત્સવ દરમિયાનના 4 મહિના માટે દરરોજ ચાલુ હોય છે અને સવારના 8:30 થી 6:15 વાગ્યા સુધી આ મ્યુઝિયમ ખુલ્લું હોય છે. અહીં આવતા પ્રવાસીઓ માટેની ટિકિટ 30 રૂપિયા જેટલી હોય છે, તેમાં પણ જો બાળકો હોય તો તેમની અડધી ફી 15 રૂપિયાની ટીકીટ હોય છે. જ્યારે વિદેશી પ્રવાસીઓની ટિકિટ 100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે. વિદેશી પ્રવાસીઓ માટે ફોટોગ્રાફી ફી 200 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે ભારતના પ્રવાસીઓ માટે ગ્રુપમાં ફોટોગ્રાફી કરવા માટે કોઈ ફી નથી. જ્યારે એકલ દોકલ પ્રવાસીઓ માટે 50 રૂપિયા ફોટોગ્રાફી ફી રાખવામાં આવી છે.
આ પણ વાંચો:
- “કોઈન ઓફ કચ્છ” બન્યું આકર્ષણનું કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં ભુજના ચિત્રકારે સિક્કો જમાવ્યો
- વિશ્વ ભરમાં જાણીતી કચ્છી શાલ કઈ રીતે બને છે? 450થી લઈને 1 લાખ સુધી હોય છે કિંમત