અમદાવાદ :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ એક મોટું અભિયાન ચલાવ્યું છે. જે અંતર્ગત 104 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરી ગતરોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પર લવાયા હતા, જેમાં સામેલ 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.
વતન પહોંચ્યાનો હાશકારો...
ગતરોજ અમેરિકાથી ડિપોર્ટ કરાયલે ભારતીય નાગરિકો પંજાબ પહોંચ્યા, જેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા. આ ગુજરાતીઓને પંજાબથી એક વિમાન મારફત અમદાવાદ લાવવામાં આવ્યા છે. આજે વહેલી સવાર 6:15 કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર Indigo ફ્લાઈટ લેન્ડ થયું. જેમાંથી ધીરે ધીરે એક બાદ એક એમ ગુજરાતી પરિવારો બહાર લાવવામાં આવ્યા.
પોલીસ બંદોબસ્ત સાથે વતન જવા રવાના :આ મુદ્દે અમદાવાદ એચ ડિવિઝનના ACP આર. ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, અમૃતસરથી ફ્લાઈટમાં 33 લોકો આવ્યા હતા. તેઓને પોતાના ઘરે મોકલવામાં આવ્યા છે. જે તે જિલ્લામાંથી પોલીસ આવી હતી, તેમની સાથે રવાના કરવામાં આવ્યા છે. અત્યારે કોઈ ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવ્યું નથી.
IB દ્વારા પ્રાથમિક તપાસ:
ઉલ્લેખનીય છે કે, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચે તે પહેલા અમદાવાદ પોલીસ દ્વારા તેમની સુરક્ષા, તેમના ઘરે પહોંચાડવા અને તે પહેલા સ્થાનિક LCB માં તેમના નિવેદન નોંધવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ 33 લોકોએ ડોમેસ્ટિક લોજની પાસે રોકવામાં આવ્યા હતા. ત્યાં IB કર્મચારીઓએ તેમની સાથે પ્રાથમિક વાતચીત કરી હતી. ત્યારબાદ બહાર લાવ્યા પછી સ્થાનિક પોલીસ દ્વારા તેમના પાસપોર્ટ અને કોન્ટેક નંબરની જાણકારી લેવામાં આવી હતી. અગાઉથી જે લિસ્ટ અમૃતસરથી આવ્યું હતું, તે પ્રમાણે તમામ લોકોને બહાર લઈ જવામાં આવ્યા હતા.
અમેરિકાથી ડિપોર્ટેડ 33 ગુજરાતીઓ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ 33 લોકોમાં ગાંધીનગરના 14, મહેસાણાના 10, પાટણના ત્રણ, અમદાવાદના 2 તથા બનાસકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરાના એક-એક લોકોનો સમાવેશ થાય છે. આ લોકો પૈકી 15 પુરુષ અને 18 મહિલાઓ છે, જેમાં 8 સગીર પણ સામેલ છે.
USAથી ડિપોર્ટેડ 104 ભારતીય નાગરિક:રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ અભિયાન હેઠળ 5, ફેબ્રુઆરીએ અમેરિકન લશ્કરી વિમાન C-147 અમેરિકાથી 104 ભારતીય નાગરિકોને લઈને પંજાબના અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો આ પહેલો જથ્થો હતો. દેશ નિકાલ કરાયેલા ભારતીય નાગરિકોમાં હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો છે. જેમાંથી ગુજરાતના 33 લોકો સહિત પંજાબ, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ અને મહારાષ્ટ્રના લોકો છે.
હજુ કેટલા ભારતીય પરત ફરશે ?યુએસ સરકાર દ્વારા 205 લોકોની યાદી બહાર પાડવામાં આવી હતી. બાકીના લોકો ક્યારે આવશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. હરિયાણા, ગુજરાત અને પંજાબ સહિત અનેક રાજ્યોના લોકોને બુધવારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા છે. એરપોર્ટ પર હાજર અમેરિકન દુતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે, આ ભારતીયોમાંથી 33 લોકો ગુજરાતના છે અને તેમને પંજાબથી સીધા ગુજરાત મોકલવામાં આવશે.
- અમરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓ આખરે પરત ફરશે
- 205 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે US વિમાને ઉડાન ભરી