કચ્છ:ભુજની ખાણીપીણી બજારમાં મળતા વિવિધ સ્ટ્રીટ ફૂડમાંથી સૌથી અલગ પડતું હોય તો એ છે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલો બાપુનો વઘારેલો રોટલો. શિયાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે દેશી ખોરાક અને શિયાળામાં ગરમી આપતો બાજરાનો રોટલાનો સ્વાદ ફૂડી લોકોને દાઢે લગાડી રહ્યો છે.
શિયાળામાં ગરમાગરમ ચટાકેદાર વઘારેલો રોટલો: ભુજમાં માં ભગવતીના નામે વઘારેલો રોટલો પીરસતા જયદીપસિંહ જાડેજા. કચ્છની પ્રખ્યાત વાનગીઓમાં 365 દિવસ આ બાપુનો વઘારેલો રોટલો મળી રહે છે. સામાન્ય રીતે દરેક રાજ્ય અને જિલ્લામાં સ્થાનિક જુદાં જુદાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ હોય છે જેને સોશિયલ મીડિયા પર પણ લાખો વ્યુઝ મળતા હોય છે. તેવામાં ભુજમાં છેલ્લાં 10 વર્ષથી જયદીપસિંહ જાડેજા લોકોને ગરમાગરમ વઘારેલા રોટલાનો ચટાકેદાર સ્વાદ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બાપુએ ક્યારેય ન સંભાળ્યો હોય તેવું ડીહાઇડ્રેડ વઘારેલો રોટલો બનાવી ખાણી પીણીના વ્યવસાયમાં એક નવો આવિષ્કાર પણ કર્યો હતો.
12 પ્રકારના વઘારેલા રોટલા:હાલના આધુનિક યુગમાં યુવાનોમાં વધેલા જંક ફૂડના ક્રેઝને ઓછો કરવા તેમજ દેશી ખોરાક તરીકે બાજરાના રોટલાને વઘારેલા રોટલોના રૂપમાં સ્વાદપ્રિય લોકોને ખવડાવવાની એક પદ્ધતિ આ બાપુએ અપનાવી છે. તેમાં લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભુજમાં વર્ષ 2014થી વઘારેલો રોટલો બનાવતા જયદીપસિંહ જાડેજાની ખાસિયત છે કે છાસ અથવા દહીં વગર પણ તેઓ વઘારેલો રોટલો બનાવે છે તો સાથે જ 12 પ્રકારના વઘારેલા રોટલા તેઓ બનાવે છે.
કંઈ રીતે બને છે આ વઘારેલો રોટલો:કચ્છનું દેશી ભાણું જે વસ્તુ વગર અધૂરું છે તેવા બાજરાના રોટલાને વિવિધ મસાલાઓમાં વઘારીને લોકો સમક્ષ લાવી તેમણે વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કરી હતી. વઘારેલો રોટલો તવા પર ડુંગળી, કોબીજ, ટામેટા, કેપ્સીકમ અને મકાઈ સાથે રોટલાને માખણમાં વઘારી વિવિધ જાતના મસાલા અને આદુની પેસ્ટ ઉમેરી તીખો ચટપટો વઘારેલો રોટલો તૈયાર કરવામાં આવે છે.
સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક વઘારેલો રોટલો:Etv Bharat સાથે વાતચીત કરતાં જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'લોકોને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક ભોજન મળી રહે તે હેતુસર આ બાજરાના રોટલાને ડુંગળી લસણ સાથે વઘારીને પીરસવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં માત્ર એક પ્રકારનો રેગ્યુલર રોટલો બનાવવામાં આવતો હતો. ત્યાર બાદ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી રોટલો ખાવા આવતા લોકોએ વિવિધ સૂચનો આપ્યા હતા તે મુજબ અવનવા ફ્લેવર્સ પણ શરૂ કરવામાં આવ્યા હતા. જે અત્યાર સુધી 12 જેટલા ફ્લેવર્સમાં પહોંચ્યું છે.