વલસાડ: જિલ્લામાં ગરીબોને ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાનો લાભ મળે એ હેતુથી સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ યોજના બનાવવામાં આવી હતી. જેમાં અનેક બીમારીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. પરંતુ તેમ છતાં પણ જિલ્લાની 16 હોસ્પિટલ પૈકી એવી 6 હોસ્પિટલ છે. જેમના દ્વારા દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ ચાર્જના નામે લાખો રૂપિયા લીધા હતા. દર્દીના સ્વજનો દ્વારા આપવામાં આવેલી 6 ફરિયાદ મળતાં તમામને પૈસા પરત હોસ્પિટલ પાસે અપાવવામાં આવ્યા છે.
16 ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડથી સારવાર: વલસાડ જિલ્લામાં બહુધા આદિવાસી વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના 2018થી અમલમાં મૂકવામાં આવી છે. જેને અનુલક્ષીને વલસાડ અને વાપીની મળીને કુલ 16 જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ કેસલેસ સારવાર ઉપલબ્ધ છે.
દર્દીઓ પાસે વધારાનો ચાર્જ વસૂલ: સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી ગુણવત્તાયુક્ત સારવાર મળે તેવા ઉમદા હેતુ સાથે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના અમલમાં મુકાય છે. પરંતુ વલસાડ જિલ્લામાં હજુ પણ એવી કેટલીક ખાનગી હોસ્પિટલ છે જે આયુષ્યમાન ભારત કાર્ડ લઈને આવનારા દર્દીઓને સારવાર તો આપે છે, પરંતુ તેમની પાસે વધારાના ચાર્જના નામે પણ રૂપિયા વસૂલ કરે છે. જેવા પણ અનેક કિસ્સાઓ અને ફરિયાદો CDHO સમક્ષ આવી છે.
2023-24 માં 6 ફરિયાદો આવી: CDHO ડોક્ટર કે. પી. પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં કુલ 16 હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત કાર્ડ ઉપયોગમાં આવે છે. જેમાં તદ્દન નિઃશુલ્ક સારવાર આપવાની હોય છે. પરંતુ કેટલીક ખાનગી હોસ્પિટલના સંચાલકો સારવાર લેવા આવનારા લોકો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોવા છતાં પણ તેમની પાસે વધારાનો ચાર્જના રૂપિયા વસૂલ કરી લેતા હોય છે. દર્દીઓ પાસેથી રુ. 2,65,884 વધારાનો ચાર્જ લેવાયો છે. આવી વર્ષ 2023-24 દરમિયાન કુલ 6 જેટલી ફરિયાદો અમારી પાસે આવી હતી.
ફરિયાદ બાદ તાત્કાલિક દંડ કરાયો: આરોગ્ય વિભાગના ચીફ હેલ્થ ઓફિસરને મળેલી 6 જેટલી ગંભીર ફરિયાદોને ધ્યાને લેતા તેમણે સ્ટીયરિંગ કમિટીનું ધ્યાન દોરી તાત્કાલિક તમામ હોસ્પિટલની મીટીંગ બોલાવી હતી અને જે હોસ્પિટલ સામે ફરિયાદ હતી, એ તમામની સામે અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂપિયા 2,65,884 જેટલો દંડ તેમની પાસે વસૂલી લેવામાં આવ્યો હતો.
નામો આપવાની આરોગ્ય અધિકારીએ કેમ ના પાડી?:ETV BHARAT દ્વારા જ્યારે વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે જે 6 હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. તે હોસ્પિટલના નામ માંગવામાં આવ્યા ત્યારે આરોગ્ય અધિકારીએ આ 6 હોસ્પિટલના નામ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેની પાછળનું કારણ તેમણે જણાવ્યું કે, જો આ નામ આપવામાં આવશે. તો તેમનું આરોગ્ય વિભાગ બદનામ થશે. તેવું જણાવ્યું હતું. આમ યેનકેન પ્રકારે આવી ખાનગી હોસ્પિટલના નામ જાહેર ન કરીને આરોગ્ય વિભાગ દ્વારા પડદો પાડી દેવામાં આવ્યો છે. લોકો સાથે ગંભીર ચેડા કરતી આવી હોસ્પિટલ્સની બદનામીની આરોગ્ય વિભાગને શું પડી હોવી જોઈએ?