અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ- રસ્તા, વરસાદી પાણી, ગટર વ્યવસ્થા સહિતના કામોમાં AMC અને કોન્ટ્રાક્ટર વચ્ચે થતા વિવાદમાં કોર્ટના હસ્તક્ષેપ વગર સીધું આર્બિટ્રેશન પ્રક્રિયા દ્વારા સમાધાન લાવવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 5 વર્ષમાં 60 જેટલા કેસમાં હાર મળી તેમજ કરોડો રૂપિયા ચૂકવવા પડતા આખરે હવે આ આર્બિટ્રેશનની પ્રક્રિયા જ રદ કરવા માટે લિગલ કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.
વિજિલન્સ તપાસની ચેરમેન દ્વારા માંગ: કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે થતાં કોઈપણ વિવાદને હવે સીધો કોર્ટમાં કેસ ચલાવવા માટેની સૂચના લીગલ કમિટીના ચેરમેન દ્વારા આપવામાં આવી છે. સાથે આર્બિટ્રેશનના હારી ગયેલા તમામ કેસો અંગેની વિજિલન્સ તપાસની માંગ પણ કરવામાં આવી છે. વિજિલન્સ તપાસ 3 મહિનામાં પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
5 વર્ષમાં AMC સામે થયા 60 કેસ: ETV BHARAT સાથે વાત કરતા AMC લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર એ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેશન સામે 60 જેટલા કેસો કરવામાં આવ્યા છે. એક પણ કેસમાં કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવ્યો નથી. વકીલ અને આર્બિટ્રેટરને રૂ. 3.24 કરોડ જેટલી રકમ ચૂકવી હોવા છતાં પણ બધી વખતે કોર્પોરેશનના વિરૂદ્ધનો ચુકાદો જ આવ્યો છે. આથી હવે આ પ્રક્રિયા દૂર કરવામાં આવી છે.
આકાશ ઇન્ફ્રા પ્રો. લિ. દ્વારા 53 વળતરના દાવા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે 53 જેટલા વળતર અંગેના દાવા વિવિધ ઝોન અને પ્રોજેક્ટમાં રોડની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર આકાશ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ નામની કંપની દ્વારા કરવામાં આવ્યાં છે. જે તમામ રૂ. 60 કરોડથી વધુની રકમના દાવા કોન્ટ્રાક્ટરની તરફેણમાં કરાયા છે.