રાજકોટ: શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતા અશ્વિનભાઈએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. અશ્વિનભાઈ પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટના આધારે ચાર શખ્સ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો પણ નોંધાયો હતો. શુક્રવારે મૃતકના પરિવારજનોએ આ મામલામાં એ ડિવીઝનના બે પોલીસ જવાનો સામે હવાલાકાંડના આક્ષેપ કર્યા હતા અને હાલ તપાસના ભાગરૂપે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?: બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતાં અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેમાં મૃતક અશ્વિનભાઈના પુત્ર હિરેન અને ભાઈ તેજસે એવો આક્ષેપ કર્યો હતો કે, અશ્વિનભાઈએ સ્યૂસાઇડ નોટમાં જે ચારના નામ લખ્યા હતા. તે ધર્મેશ પારેખ, અતુલ પારેખ, મનોજ અને વિવેક ઉર્ફે ભૂવો વિનુ પટેલે અગાઉ એ.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અશ્વિનભાઈ અને તેના પુત્ર હિરેન સામે અરજી કરી હતી. તેમાં અશ્વિનભાઈ અને તેના પુત્ર હિરેને સોનાની ચોરી કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે યોગ્ય તપાસ કરવાને બદલે હેડ કોન્સ્ટેબલ કિશન આહીરે સોની વેપારી અશ્વિનભાઇ અને તેના પુત્ર હિરેનને પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા અને ત્યાં પિતા-પુત્ર બંનેને મારકૂટ કરી તેમની પાસેથી સોનું પડાવ્યું હતું.