પોરબંદર: એશિયાઇ સિંહો માટે ગિરનાર, અમરેલી અને ત્યારબાદ હવે બરડા જંગલ એક વધુ રહેણાંકનું સ્થાન બની ગયું છે, ત્યારે બરડામાં અન્ય પ્રાણીઓ પણ વસવાટ કરી રહ્યા છે. ગુજરાત વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં નાગરિકો માટે બરડા જંગલ સફારીનો પ્રારંભ થઈ રહ્યો છે. બરડા જંગલ સફારી અંગે રાણાવાવ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ આર ભમરે જણાવ્યું હતું કે,'કપુરડી નાકાથી શરૂઆત કરવામાં આવશે અને 27 કિલોમીટરનો રસ્તો રહેશે. જેમાં નાગરિકો કુદરતી સૌંદર્ય સાથે સાથે કિલ ગંગા નદીનો નજારો માણી શકે તે હેતુથી આ જંગલ સફારીમાં રૂટ નક્કી કરાયો છે. પોરબંદર રાણાવાવ અને ભાણવડના રસ્તાઓ પર સાઈન બોર્ડ પણ લગાવી દેવાયા છે.'
કપૂરડી નાકાથી ઓફલાઇન ટીકીટ મળશે:બરડા જંગલ સફારીમાં જવા માટે લોકો કપૂરડી નાકાથી ટિકિટ મેળવી શકશે અને તેની શરૂઆત પણ કપૂરડી નાકાથી થશે. આ સફારી દર્શન માટે શિયાળામાં છ પેસેન્જર બેસી શકે તેટલી ક્ષમતા ધરાવતી ઓપન જીપ્સી મૂકવામાં આવશે. જેમાં ગાઈડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. સફારી માટેની પરમિટ ફી 400 રૂપિયા અને ગાઈડ માટેની ફી 400 રૂપિયા તથા જીપસીની ફી 2000 રૂપિયા રાખવામાં આવી છે. પરમિટ ટિકિટ બુકિંગ કાઉન્ટર ખાતેથી લઈ શકાશે.
સફારી પાર્કમાં હાલ એક સિંહ અને પાંચ સિંહણ છે:બરડા સફારી પાર્કમાં એક સિંહ અને પાંચ સિંહણ રાખવામાં આવ્યા છે. એક વર્ષ અગાઉ એક સિંહ માંગરોળથી ચાલીને બરડા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ગત દિવાળી સમયે એક સિંહણ અને તેનું બચ્ચું માંગરોળથી ચાલીને બરડા જંગલ સુધી પહોંચ્યા હતા. આમ બરડા જંગલને સિંહોએ વસવાટ બનાવ્યો છે આથી બરડા જંગલ સફારી હવે સિંહનું કાયમી ઘર બન્યું છે.