નવસારી: આજના યુવાનો પર સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું એવું ભૂત સવાર થયું છે કે, ફેમસ થવા માટે યુવાનો ભયજનક વિસ્તારમાં જઈ સેલ્ફી લેવાનો ક્રેઝ કે ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવી બાઈક પર સ્ટંટ કરી પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓ ભૂતકાળમાં અનેક વાર પ્રકાશમાં આવ્યા છે.
તાજેતરમાં જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીલીમોરા શહેરથી ધોલાઈ જતા માર્ગ ઉપર પોતાની બાઈક પૂર ઝડપે હાંકી રિલ્સ બનાવવા જતાં યુવાનો ગંભીર અકસ્માતનો શિકાર બન્યા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ છે.
શું છે મામલો? બીલીમોરા શહેરથી ધોળાઈ જતા માર્ગ ઉપર આયુષ પટેલ અને મેઘ પટેલ નામના બે યુવકો ધૂમ સ્ટાઇલમાં પોતાની બાઈક હંકારી વિડીયો શૂટ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણોસર તેઓનું બેલેન્સ ખોરવાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં આ બંને યુવકો પૂર ઝડપે પોતાની બાઈક હંકાવી રહ્યા હતા અને તેઓનો અકસ્માત થયો તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ યુવકોએ આ પ્રકારની ગંભીર ઇજા પહોંચાડતા સ્ટંટ કરતી રિલ્સ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી હતી.