ગાંધીનગરમાં બારોબાર જમીન વેચવાની પરંપરા યથાવત (Etv Bharat Gujarat) ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં જમીનના બારોબાર દસ્તાવેજ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. એવો જ એક કિસ્સો ગાંધીનગર જિલ્લાના મગોડી ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર તાલુકામાં આવેલા ઈસનપુર મગોડી ગામના પરાનો દસ્તાવેજ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા 47 વર્ષથી આ ગામમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટેની નોટિસો પણ અપાઈ છે. કોંગ્રેસના અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ઋત્વિજ મકવાણા સહિતના નેતાઓના પ્રતિનિધિ મંડળે ઈસનપુર મગોડી ગામની મુલાકાત લઈ સરકારની આકરી ટીકા કરી હતી.
કોંગ્રેસ નેતાઓએ જણાવ્યુ હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયા બેફામ બન્યા છે. આખા ને આખા ગામોના દસ્તાવેજ થઈ રહ્યા છે. જબરજસ્તી કબજા લેવાઈ રહ્યા છે. એના માટે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ થઈ રહ્યો છે. કારણ કે, તેમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પૈસા છેક નીચેથી ઉપર સુધી પહોંચે છે.
ગ્રામજનોએ જણાવ્યું કે, ગામની જમીન અગાઉ રતીલાલ મફતલાલ શાહના નામે હતી. 47 વર્ષ પહેલા નથાજી જુગાજી અને શંકાજી નામના બે ઠાકોરભાઈઓએ રૂ.10 ના સ્ટેમ્પ પર આ જમીન વેચાતી લીધી હતી. 47 વર્ષથી અહીં લોકો વસવાટ કરે છે. ગામમાં 40 જેટલા મકાન અને 200 લોકો રહે છે. 7/12ના ઉતારામાં પણ મકાનોની એન્ટ્રી થયેલી છે. ગામમાં સરકારની વિવિધ યોજનાઓ થકી રોડ-રસ્તા, લાઈટ તેમજ પાણીની સુવિધા છે. ગ્રામજનો પાસે વેરા પહોંચો છે. ગામની જમીન વેચાયાની જાણ થયા બાદ પંચાયતે સ્થળ સ્થિતિનું પંચનામું કરેલું છે, જેમાં મકાનો સ્પષ્ટ દેખાય છે.
આ મામલે રાજ્ય સરકાર પગલાં લે તેવી આશા છે. ભાવના ઉછાળાના લીધે ભૂમાફિયાઓએ આ જમીન બારોબાર પડાવવાનો પ્રયાસ કર્યો છે. રતીલાલના નાના ભાઈ સાંકળચંદ મફતલાલ શાહના વારસદારોએ આ જગ્યા બારોબાર વેચી મારી છે. રાણીપના રહેવાસી સંજયભાઈ રમેશભાઈ પટેલે આ જમીન ખરીદી છે.
ઈસનપુર મગોડી ગામમાં 47 વર્ષથી પરિવારો વસવાટ કરે છે. તેમની પાસે લાઈટ કનેક્શન, રેશન કાર્ડ તેમજ મતદાર ઓળખપત્ર સહિતના પુરાવા છે. તેમ છતાં રાતોરાત ખોટી રીતે દસ્તાવેજો થાય છે. 7/12માં જેમના નામ છે. તે તમામ લોકો હાજર ન હોવા છતાં દસ્તાવેજ થાય છે. 47 વર્ષથી વસવાટ કરતા લોકોને તાત્કાલિક મકાન ખાલી કરવા નોટિસ અપાય છે. મકાન ખાલી ન કરે તો બુલડોઝર ફેરવવાની ચીમકી અપાય છે. ગુજરાતમાં ભૂમાફિયાઓના લાભાર્થે બુલડોઝર રાજ લાવવામાં આવી રહ્યું છે. એની સામે લોકો હવે રસ્તા પર ઉતરવા તૈયાર છે.
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, ભાજપ સરકારના શાસનમાં જુના પહાડિયા, કાલીપુરા, રામજીના છાપરા અને મગુડી સહિતના ગામોમાં કરોડો રૂપિયાની જમીનનો બારોબાર વેપાર ફુલ્યો ફાલ્યો છે. મગોડીમાં સર્વે નંબર 1258 માં ચાર વીઘા જેટલી જમીનનો 47 વર્ષ પહેલા વેચાણ થાય છે, જેમાં ગરીબ જનતા માટેના મકાનો બનાવ્યા હતા. ભાજપની સરકારમાં ભૂ માફિયા બેફામ બન્યા છે. ગરીબ ગ્રામજનોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ આ માફિયાઓને હાઇકોર્ટ લઈ જશે.
ગ્રામવાસી લક્ષ્મણભાઈ દાનાભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, 1258 સર્વે નંબરમાં 40, 50 મકાનો આવેલા છે. ગામના દલાલ હોય બારોબાર અમદાવાદની પાર્ટીને જગ્યા વેચી દીધી છે. અમારી પાસે જમીનના કબજા હકના તમામ પુરાવાઓ છે.
ગ્રામવાસી રાકેશ ઠાકોરે જણાવ્યું કે, અમારા સર્વે નંબર 1258માં 40 થી 50 મકાનો આવેલા છે. તેમાં 200થી વધુ લોકો વસવાટ કરે છે. મારા બાપ દાદાએ 47 વર્ષ પહેલાં આ જગ્યા રાખી હતી. ₹10 ના સ્ટેમ્પ પર લખાણ પણ છે. વર્ષોથી અમે વસવાટ કરીએ છીએ. સંજયભાઈ રમેશભાઈ પટેલે આ જગ્યા ખરીદી છે. દસ્તાવેજમાં ફોટોગ્રાફી ખોટી છે. દિશા સૂચનો પણ ખોટા છે. જુના 7/12 માં મકાનોની એન્ટ્રી પણ બતાવવામાં આવી છે. દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર અમારા બાપદાદાઓએ લખાણ પણ લીધું છે. જો અમને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પણ આવીશું.
- ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ બનેલી છે, જેના કારણે થાય છે અતિભારેથી ભારે વરસાદ - Heavy Rains In Gujarat
- જૂનાગઢમાં અઠવાડિયાથી ખાબકેલા વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો - Junagadh News