ગાંધીનગર : રાજ્યમાં ખોરાકમાં ભેળસેળની ફરિયાદ સતત આવી રહી છે. ખોરાકમાં વંદા, દેડકા, ઉંદર સહિતના અન્ય જીવજંતુઓ મળી આવ્યા હોવાની ઘટના છાશવારે બની રહી છે. ખોરાકમાં ભેળસેળ અને અખાદ્ય ખોરાકની ઘટના ડામવા માટે ગુજરાત ફૂડ સેફટી વિભાગ મેદાનમાં આવ્યું છે.
હોટલ અખાદ્ય ભોજન પીરસે તો શું કરશો ? (ETV Bharat Reporter) અખાદ્ય ભોજન પીરસવાના બનાવ :રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર જી. એચ. કોશિયાએ જણાવ્યું કે, હાલ ઉનાળાની સીઝનના કારણે જીવજંતુનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે. જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં ખોરાક બનાવવાની જગ્યાએ રસોડામાં ગંદકી જોવા મળી રહી છે. ખાદ્ય ચીજ-વસ્તુઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે અથવા તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રો મટીરીયલ્સને (ખાસ કરીને શાકભાજી) યોગ્ય રીતે સાફ કે સંગ્રહ ન કરવામાં આવે તો તેમાંથી જીવજંતુઓ નીકળવાની શક્યતા વધી જાય છે.
ફૂડ સેફ્ટીના નિયમો :વહીવટી તંત્ર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબામાં ફૂડ સેફટી & સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અને તે અન્વયેના ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીંગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન, 2011 હેઠળ ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપવામાં આવે છે. જો આ નોટીસની સુચનાઓનું પાલન ન કરવામાં આવે તો લાઇસન્સ રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે. ફૂડ સેફ્ટી કાયદાની કલમ 56 હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.
વેપારીને ધ્યાન રાખવા બાબત મુદ્દા :ફૂડ સેફ્ટી કમિશનરે વધુમાં જણાવ્યું કે, તૈયાર ખોરાકમાં જીવજંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેન્ટીન અને ભોજનાલય ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્ઝોસ્ટ પંખા નેટથી કવર કરવા, દરવાજામાં જીવજંતુ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમ કવર કરવી, ઓથોરાઇઝ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવી તેનો રેકોર્ડ સાચવવા વગેરે જેવી બાબતોની ખાસ તકેદારી રાખવાની રહેશે.
ગ્રાહકોને ધ્યાન રાખવા બાબત મુદ્દા : ગ્રાહકોએ જમતા પહેલા હોટલના રસોડાની સ્વચ્છતા જોઈ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાને હાઇજીન અને સેનિટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડિટ કરી તાલીમ આપી હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે. જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઈ ગ્રાહકને પીરસવામાં આવેલ કોઇ ખોરાકમાં જીવજંતુઓ મળી આવે તો તેઓ જે તે કોર્પોરેશન અને જિલ્લા ફૂડ વિભાગની ઓફિસમાં ફરિયાદ કરી શકે છે.
- અરરર ! સુપમાંથી નીકળી ગરોળી, ગ્રાહકે મેનેજરનો ઉધડો લીધો, જુઓ વાયરલ વીડિયો
- હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દી પડ્યા બીમાર, ભોજનમાં નીકળી ગરોળી