ગુજરાત

gujarat

ETV Bharat / state

મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું કેવી રીતે બને છે? એક ખાસ વનસ્પતિ બદલી નાખે છે આખા માટલાનો ટેસ્ટ - UMBADIYU RECIPE

દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને વલસાડ સુધીના અનેક ગામોમાં શિયાળા દરમિયાન માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે.

મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું
મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2024, 7:58 PM IST

વલસાડ:દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી લઈને વલસાડ સુધીમાં શિયાળા દરમિયાન જ્યારે પણ તમે હાઇવેથી પસાર થશો તો તેની આસપાસના વિસ્તારમાં અનેક જગ્યાઓ ઉપર ઉંબાડિયું લખીને અનેક બેનરો તમને જોવા મળશે. એ માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી, બટેટા, રીંગણ, શક્કરિયા તથા રતાળુ કંદ નાખીને લસણ મરચાની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે. આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉંબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે.

મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું (ETV Bharat Gujarat)

દક્ષિણ ગુજરાતની ખાસ કરીને સુરતથી લઇ વલસાડ સુધીમાં પ્રખ્યાત વાનગી
દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને વલસાડ સુધીના અનેક ગામોમાં શિયાળા દરમિયાન માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે. કારણ કે તમામ પ્રકારની શાકભાજીઓ તેની અંદર ઉમેરો કરાય છે.

મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું (ETV Bharat Gujarat)

શું શું નાખવામાં આવે છે?
ઉંબાડિયામાં બટેટા, રીંગણ, શક્કરિયા, રતાળુ કંદ, લસણની કળીઓ તેમજ કેટલીક જગ્યા ઉપર સરગવાની સિંગ અને મકાઈ પણ નાખવામાં આવે છે. સાથે જ લીલા ધાણાની ચટણીમાં લીલી હળદર સહિતનો ઉમેરો તેની અંદર હોય છે. એટલે કે વરાળથી બફાયેલું અને તમામ શાકભાજીઓથી ભરેલું આ માટલું ખોલતાની સાથે જ એક મહેક આવે છે તે દરેક ત્રીજા વ્યક્તિ સુધી પહોંચી જતી હોય છે.

કલહાર નામની વનસ્પતિ માટલાનો ટેસ્ટ બદલી નાખે છે
શિયાળા દરમિયાન અનેક ખેતરોમાં કલહાર નામની વનસ્પતિ ઊગી નીકળે છે. જે માત્ર ફેબ્રુઆરી માસ સુધી જોવા મળે છે. જે બાદ સુકાઈ જતી હોય છે. પરંતુ ઉંબાડિયું બનાવવામાં તેનો મહત્વનો ભાગ છે. આ વનસ્પતિના પાનથી ઉંબાડિયાના માટલાનું મોઢું બંધ કરવામાં આવે છે. આ વનસ્પતિની સુગંધ જ એટલી અનેરી હોય છે કે જે માટલામાં રાખેલા તમામ પ્રકારના શાકભાજીઓમાં ભળી જતી હોય છે.

મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું (ETV Bharat Gujarat)

ચટાકેદાર ખાવાના સોખીનો માટે ઉંબાડિયું ઉત્તમ વાનગી
ચટાકેદાર ખાવાના શોખીનો માટે દક્ષિણ ગુજરાતનું ઉંબાડિયું એ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. કારણ કે તમામ પ્રકારના શાકભાજીઓ તેની અંદર ઉમેરાતા હોય છે. સાથે સાથે આ માટલું ઊંધું મૂકી તેને વરાળથી તૈયાર કરવામાં આવે છે એટલે કે એ માટલાની આસપાસમાં આગ પ્રજવલિત કરી તેને બનાવવામાં આવે છે. માટલામાં રહેલા તમામ શાકભાજીઓ વરાળથી બફાઈ તૈયાર થતા હોવાથી તે પાચન તંત્ર માટે પણ સરળ રહે છે.

મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું (ETV Bharat Gujarat)

લસણ ધાણાની ચટણી સાથે સ્વાદ પ્રિય માટે ઉત્તમ વાનગી
ઉંબાડિયું એ શિયાળામાં લસણ અને ધાણાની ચટણી સાથે ગરમાગરમ મટકામાંથી બહાર કાઢ્યા બાદ થાળીમાં પીરસવું અને મોઢે તસસ્તો સ્વાદ લેવો એ એક અનોખો આનંદ છે. લસણ, ધાણા અને મરચાની ચટણી સાથે લીલા મસાલામાં બનેલું આ ઉંબાડિયું એકવાર ચાખી લો તો બીજીવાર ખાવાનું ચૂકશો નહીં એવી એની લેહજત છે.

લીલી હળદર અને ધાણાની ચટણી બટેટાની અંદર ઉમેરાય છે
ઉંબાડિયું બનાવવા પહેલા અંદર મેળવવામાં આવેલા તમામ શાકભાજીઓમાં અને કંદમૂળમાં ચપ્પુ વડે કાપા કરી લીલી હળદર, લસણ મરચાં અને ધાણાની ચટણી અંદર ઉમેરવામાં આવે છે. જે મટકામાં તૈયાર થયા બાદ તેના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે.

મોઢે સ્વાદ રહી જાય એવું ઉંબાડિયું (ETV Bharat Gujarat)

ગ્રામીણ કક્ષાએ શનિ-રવિના દિવસોમાં ઉંબાડિયા પાર્ટી
સુરતથી વલસાડ સુધીમાં શનિ-રવિ દરમિયાન હવે અનેક ગામડાઓમાં યુવા ધન દ્વારા ઉંબાડિયા પાર્ટીનો ટ્રેન્ડ વધ્યો છે. શનિ-રવિ દરમિયાન પરિવાર સાથે વિવિધ ગ્રામીણ કક્ષાએ આવેલા ફાર્મહાઉસો ઉપર કે પોતાના ઘર આંગણે પરિવાર સાથે ભેગા મળી તમામ નાના-મોટાઓ શાકભાજી લાવી તેને સમારી એક સાથે મળીને ઉંબાડિયા પાર્ટીની ઉજવણી કરતા હોય છે.

વરાળથી તૈયાર થયેલું ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે હિતકારી
ડો. તરુણ વાઢુના જણાવ્યા અનુસાર શિયાળા દરમિયાન મોટાભાગે શાકભાજીઓ વિપુલ પ્રમાણમાં આવે છે અને લોકોએ વિટામિન મિનરલ્સ અને ફાઇબર મેળવવા માટે વિવિધ શાકભાજી અને કંદમૂળનો ઉપયોગ કરવો જોઈએ. જો કે આ દરમિયાન શિયાળામાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ઉંબાડિયાની બોલબાલા છે. ત્યારે વરાળથી બફાઈને તૈયાર થતું આ ઉંબાડિયું અંદર રહેલા તમામ શાકભાજીને કારણે શરીરને ફાઇબર અને પોષક તત્વો પુરા પ્રમાણમાં પુરા પાડે છે. જેથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો તેમાંથી મળી રહે છે. વર્ષમાં એકવાર આવતું આ ઉંબાડિયાના પર્વનો લાભ તમામ લોકોએ લેવો જોઈએ. આમ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં શિયાળા દરમિયાન મળતું ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે હિતકારી તો છે પણ તે હવે યુવાનોમાં ટ્રેન્ડિંગમાં છે યુવા વર્ગ તેને પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. જુનાગઢવાસીઓ ભૂલી જજો કોર્પોરેશનની તમારી ફરિયાદ WhatsAppથી સંભળાશેઃ આ 3 માધ્યમોનો ઉપયોગ કરો
  2. વટ પડી જશેઃ સોના-ચાંદીની પતંગ અને ફીરકી, અમદાવાદમાં ક્યાં મળશે? ભાવ જાણી લેવા દોડશો

ABOUT THE AUTHOR

...view details