ગુજરાત

gujarat

ETV Bharat / state

1956થી ચાલી રહી છે ભારત અને સ્પેનની અતૂટ મિત્રતા, વેપારથી લઈને સંરક્ષણ સુધીના દરેક ક્ષેત્રે છે આ ખાસ કનેક્શન

1965માં ભારતના પ્રથમ નિવાસી રાજદૂતની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2009 માં ભારતના તત્કાલીન વડાપ્રધાને સૌપ્રથમ વાર સ્પેનની મુલાકાત લીધી હતી.

ભારત અને સ્પેન વચ્ચે અતૂટ મિત્રતા
ભારત અને સ્પેન વચ્ચે અતૂટ મિત્રતા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 8:03 PM IST

અમદાવાદ:આગામી 28મી ઓક્ટોબરના રોજ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને PM મોદી વડોદરા ખાતે આવી રહ્યા છે. અહીં તેઓ ભારતની ટાટા અને સ્પેનની એરબસ કંપનીના એકીકરણથી સ્થાપિત અને ભારતનાં સંરક્ષણ ક્ષેત્રના સૌથી પહેલા 'મેક ઈન ઇન્ડિયા' એર ક્રાફટ C295 ના ટાટા એડવાન્સ સોલ્યુશન કંપની લિમીટેડના યુનીટનું ઉદ્ઘાટન કરશે.

1956થી ભારત-સ્પેનના સંબંધતની શરૂઆત
ત્યારે ભારત અને સ્પેનના સંબંધો પર વાત કરવામાં આવે તો, એકબીજાના આદર અને સાંસ્કૃતિક આદાન પ્રદાન થકી સોહાર્દપૂર્ણ સબંધોનો ઇતિહાસ બહુ લાંબો છે. વર્ષ 1956 માં બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સબંધો સ્થાપિત થવાથી લઈને આજે વર્ષ 2024માં ભારતનાં સંરક્ષણ ક્ષેત્રના સૌથી પહેલા 'મેક ઈન ઇન્ડિયા' એર ક્રાફટ C295 ના ટાટા એરબસ યુનિટનું ઉદ્ઘાટન ભારત-સ્પેનના દ્વીપક્ષીય સબંધો વધુને વધુ મજબૂત થઈ રહ્યા હોવાનુ સુચવે છે.

આમ તો ભારત-સ્પેનના સંબંધની શરૂઆત વર્ષ 1956માં રાજદ્વારી સબંધો સ્થાપવાથી જ થઇ ગઇ હતી. ત્યારથી જ ભારત અને સ્પેન વચ્ચેના સબંધો સુમેળ ભર્યા રહ્યા છે. 1965માં ભારતના પ્રથમ નિવાસી રાજદૂતની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2009 માં ભારતના તત્કાલીન વડાપ્રધાને સૌપ્રથમ વાર સ્પેનની મુલાકાત લીધી હતી.

ભારત અને સ્પેન વચ્ચે કેટલી નિકાસ થઈ? (ETV Bharat Gujarat)

ભારત અને સ્પેન વચ્ચે વ્યાપારિક સંબંધો
ભારત-સ્પેનના દ્વીપક્ષીય સબંધોમાં આર્થિક અને વ્યાપારિક સંબંધો ખૂબ જ નિર્ણાયક રહ્યા છે. વર્ષ 2023 માં સ્પેન ભારતમાં 8.25 બિલિયન અમેરિકન ડોલરના સંચિત ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ સ્ટોક સાથે વિશ્વભરમાં 15મો સૌથી મોટો રોકાણકાર દેશ બન્યો છે. ભારત-સ્પેનના વ્યાપારિક સબંધોની વાત કરીએ તો ભારતે અત્યાર સુધી કુલ રૂ.24674.93 બીલિયનની આયાત કરી છે. જેમાં વર્ષ 2023-24 માં રૂ.203.33 બિલિયન આયાત કરી હતી. જે દેશની કુલ આયતના 0.36 ટકા છે. જ્યારે વર્ષ 2024-25 માં રૂ.80 બિલિયન આયાત કરી હતી. જે દેશની કુલ આયાતના 0.3242 ટકા છે. બીજી તરફ નિકાસની વાત કરીએ તો ભારતે અત્યાર સુધી કુલ રૂ.14913.6120 બીલિયનની નિકાસ કરી છે. જેમાં વર્ષ 2023-24 માં રૂ.396.7517 બિલિયન, જે દેશની કુલ નિકાસના 1.09 ટકા છે. જ્યારે વર્ષ 2024-25 માં રૂ.161.5729 બિલિયન આયાત કરી હતી. જે દેશની કુલ આયાતના 1.0834 ટકા છે.

ભારતમાં સ્પેનની 289 કંપનીઓ કાર્યરત
સ્પેનમાં ભારતની ટોચની નિકાસ ખનિજ ઇંધણ, ખનિજ તેલ અને તેમના નિસ્યંદનના ઉત્પાદનો, રાસાયણિક ઉત્પાદનો, આયર્ન અને સ્ટીલ, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો અને તેના ભાગો, વસ્ત્રો અને ટેકસટાઇલ મશીનરી, પરમાણુ રિએક્ટર, બોઇલર્સ, મશીનરી અને યાંત્રિક ઉપકરણો, દરિયાઈ ઉત્પાદનો તથા લોખંડ અને સ્ટીલની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સાથે ભારતમાં 280થી વધુ સ્પેનિશ કંપનીઓ મુખ્યત્વે મેટલર્જિકલ ઉદ્યોગો, નવીનીકરણીય ઉર્જા, ઓટોમોટિવ, સિરામિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે હાઈવે, ટ્રાન્સમિશન લાઈનો, ટનલ અને મેટ્રો સ્ટેશનના ક્ષેત્રોમાં છે. જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક ભારતમાં સ્પેનિશ રોકાણ માટેના મુખ્ય પસંદગીના સ્થળો બન્યા છે. બીજી તરફ સ્પેને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, ઑટો કોમ્પોનન્ટ્સ, વોટર ડીસેલીનેશન અને સિંગલ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે પણ મોટાપાયે રોકાણ કર્યું છે.

ભારતમાં કાર્યરત સ્પેનિશ કંપનીઓ મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને સિવિલ એન્જિનિયરિંગ, સહાયક ઉદ્યોગ, ઔદ્યોગિક ઘટકો અને ઔદ્યોગિક એન્જિનિયરિંગ, મશીનરી અને સાધનો, રિન્યુએબલ એનર્જી, પાણી અને પર્યાવરણીય ટકાઉપણું, ઈલેક્ટ્રોનિક, માહિતી અને સંદેશાવ્યવહાર ટેક્નોલૉજી, ઓટોમોન, ફાઈનાન્સિયલ ટેક્નોલોજીઓ સેવાઓ, કાનૂની સલાહ અને વ્યૂહરચના અને ઓપરેશન્સ કન્સલ્ટન્સી, ફૂડ એન્ડ ડ્રિંક્સ, કેમિકલ, માઇનિંગ, ધાતુશાસ્ત્ર અને સ્ટીલ, લોજિસ્ટિક્સ, બાયોટેકનોલોજી અને ફાર્મા, હોલસેલ/રિટેલ ડિસ્ટ્રિબ્યુશન, ફેશન, ટેક્સટાઇલ, ફૂટવેર અને અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે.

ભારત અને સ્પેન વચ્ચે આયાત (ETV Bharat Gujarat)

સ્પેનમાં ભારતની કંપનીઓનો દબદબો
સ્પેનમાં કાર્યરત ભારતીય કંપનીઓ મુખ્યત્વે મેડ્રિડ અને બાર્સેલોનામાં આયર્ન અને સ્ટીલ, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી અને આઈટી જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. આર્સેલર મિત્તલ, વિપ્રો અને સન ફાર્માસ્યુટિકલ્સ જેવી ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપીને નોંધપાત્ર હાજરી ધરાવે છે. ભારતીય આઇટી કંપનીઓની સ્પેનિશ પેટાકંપનીઓ નોંધપાત્ર સ્થાનિક કર્મચારીઓને રોજગારી આપે છે, અને ફાર્માસ્યુટિકલ સેક્ટરે ભારતીય કંપનીઓએ યુરોપમાં તેમના પદચિહ્નનને વિસ્તારવા માટે સ્પેનિશ કંપનીઓને હસ્તગત કરી છે. સમગ્ર યુરોપ અને લેટિન અમેરિકામાં કામગીરીનું સંચાલન કરવા માટે સ્પેન ભારતીય કંપનીઓ માટે વ્યૂહાત્મક હબ તરીકે સેવા આપે છે.

બંને દેશો વચ્ચે 26 જેટલા દ્વિપક્ષીય કરારો
ભારત અને સ્પેને વેપાર અને સાંસ્કૃતિક સહયોગથી લઈને નાગરિક ઉડ્ડયન અને સંરક્ષણ સુધીના ક્ષેત્રોની વિશાળ શ્રેણીને આવરી લેતા 26 દ્વિપક્ષીય કરારો સ્થાપિત કર્યા છે. જેમાં મુખ્યત્વે વેપાર અને આર્થિક સહકાર પર કરાર (1972), નાગરિક ઉડ્ડયન કરાર (1986), ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (1993), દ્વિપક્ષીય રોકાણ સંરક્ષણ અને પ્રોત્સાહન કરાર (1997), પ્રત્યાર્પણ સંધિ (2002), ગુનાહિત બાબતો પર મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (2006), કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પર સમજૂતીનું મેમોરેન્ડમ (2009) અને સંરક્ષણ સહકાર પર એમઓયુ (2012) નો સમાવેશ થાય છે. આ સાથે બેવડા કરવેરાને ટાળવા અને આવક અને મૂડી પરના કરને લગતી નાણાકીય ચોરી અટકાવવા માટે ભારત અને સ્પેન વચ્ચેના સંમેલન અને પ્રોટોકોલમાં સુધારો કરવા માટેનો પ્રોટોકોલ મૂળ ફેબ્રુઆરી 1993માં નવી દિલ્હી (2012)માં સહી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય ઘણા કરારો વાટાઘાટો હેઠળ છે, જે બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય જોડાણને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન
શરૂઆત થી જ બંને દેશોએ સહકાર અને વ્યાપારિક સબંધો સાથે એકબીજાની સંસ્કૃતિ અને જીવન શૈલીને સન્માનપુર્વક સ્વીકારી છે. ભારતમાં સ્પેનિશ કળા, સાહિત્યો અને ફિલ્મો ખુબજ વ્યાપક રીતે પ્રચલિત થઈ રહ્યા છે જ્યારે ભારતીય ખોરાક, સંગીત, અને નૃત્ય સ્પેનમાં ખુબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આ સાંસ્કૃતિક આદાન-પ્રદાન દ્વારા બન્ને દેશો વચ્ચે આર્થિક સહયોગનો પાયો ખુબજ મજબૂત બન્યો છે. વર્ષ 2015 માં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્પેનના આઇકોનિક પ્લાઝા ડી કોલોનમાં એક મેગા માસ્ટર ક્લાસમાં 1200થી વધુ યોગ ઉત્સાહીઓની સહભાગિતા જોવા મળી અને ત્યારબાદ યોગ પર એક પરિષદ યોજવામાં આવી હતી તે એકબીજા ની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ અને સ્વીકૃતી સુચવે છે.

આતંકવાદ મુદ્દે બંને દેશોનું કડક વલણ
આ સિવાય પણ ભૌગોલિક રાજનિતીની હોય કે પછી વૈશ્વિક સમસ્યાઓની વાત હોય, બન્ને દેશોએ એકબીજાને સહકાર આપ્યો છે. ભારત અને સ્પેને પરસ્પર હિતના આતંકવાદ, ભૂમધ્ય અને હિંદ મહાસાગરમાં નેવિગેશનની સુરક્ષા અને ગેરકાયદેસર સ્થળાંતર જેવા ભૂમધ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી બંને રાષ્ટ્રોએ ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષોને રેખાંકિત કરીને ભારપૂર્વક જણાવ્યું હતુ કે આતંકવાદ પ્રત્યે "ઝીરો ટોલરન્સ" હોવું જોઈએ.

આ પણ વાંચો:

  1. સ્પેનના PM પેડ્રોનો ગુજરાત પ્રવાસ, સ્પેન અને ભારતના આર્થિક સંબંધો માટે કરોડરજ્જુ બન્યું ગુજરાત
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, રુ. 4800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ABOUT THE AUTHOR

...view details