નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે વાત કરી હતી. ગૃહમંત્રીએ ઉત્તરપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી હતી અને બંને રાજ્યોમાં વધેલા પાણીના સ્તર વિશે પૂછપરછ કરી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આસામ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે પૂરની સ્થિતિ તેમજ ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં થયેલા વધારાનું મૂલ્યાંકન કર્યું હતું. સાથે જ અમિત શાહે કટોકટીનો સામનો કરવા માટે કેન્દ્રીય સહાય તેમજ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને સમર્થન આપવાની ખાતરી પણ આપી હતી.
ગુજરાતમાં પૂરની સ્થિતિ :ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાંથી પાણી કાઢવા માટે ડિઝાસ્ટર સેલની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની સપાટી વધી છે.
આસામમાં 5 લાખથી વધુ અસરગ્રસ્ત લોકો :
આસામ રાજ્યમાં પૂરના પરિણામે પાણીમાં વધારો થયો છે. સાથે જ રાજ્યના હજારો લોકોને અસર કરી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે, મૃત્યુઆંક વધીને 90 થી વધુ થઈ ગયો છે. 18 જિલ્લાઓમાં 5 લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં છે, જેમાં આસામનો કચર સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે.
આસામના પૂર પ્રભાવિત જિલ્લાઓમાં કચર, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, ગોલપારા, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, કરીમગંજ, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી અને શિવસાગરનો સમાવેશ થાય છે. બીજી તરફ 52 રેવન્યુ સર્કલ હેઠળના 1,342 ગામો હજુ પણ પાણી હેઠળ છે. આસામમાં 25367.61 હેક્ટર પાક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે.