કચ્છઃ કચ્છ કે જે ભૌગોલિક વિવિધતા ધરાવતો પ્રદેશ છે અને અહીં રણ, ડુંગર અને દરિયો એમ ત્રણેય ભૌગોલિકતાનો સમાવેશ થાય છે. તો કચ્છ પોતાની વાઈલ્ડ લાઈફ માટે પણ પ્રખ્યાત છે. દેશ વિદેશના ફોટોગ્રાફર પણ કચ્છની વાઈલ્ડ લાઈફને પોતાના કેમેરામાં કેદ કરવા માટે આવે છે અને કચ્છના વિવિધ જંગલો અને કન્ઝર્વેશન વિસ્તારમાં કુદરતની મહેરને માણે છે. આજે આપણે વાત કરીશું કચ્છના ખ્યાતનામ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર અશોક ચૌધરી સાથે કે જેઓ છેલ્લા 20 વર્ષથી કચ્છના વિવિધ વિસ્તારોમાં વન્યજીવોની ખુબ જ દુર્લભ ક્ષણોને કેદ કરી ચૂક્યા છે.
અશોક ચૌધરીને કચ્છ અને કચ્છની જીવસૃષ્ટિ પ્રત્યે અનોખો પ્રેમ
અશોક ચૌધરી આમ તો દરેક પ્રકારની ફોટોગ્રાફી કરે છે અને છેલ્લાં 30 વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તો છેલ્લા 20 વર્ષથી તેમને કુદરતની નજીક રહેવાની તક મળી છે. જેનો તેમણે ભરપૂર લાભ મેળવ્યો છે અને કુદરતના સાનિધ્યમાં વિવિધ વન્યજીવોની દિનચર્યા અને સુંદરતાને પોતાના કેમેરામાં કેદ કરી છે. અશોક ચૌધરીને કચ્છ અને કચ્છની જીવસૃષ્ટિ પ્રત્યે અનોખો પ્રેમ છે અને તે પ્રેમ તેમની તસવીરો અને વન્યજીવોની વીડિયો ક્લિપ મારફતે પણ જણાઈ આવે છે.
કચ્છના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે કેદ કરેલી અદભુત ક્ષણો... (ETV BHARAT GUJARAT) ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડને કેમેરામાં કેદ કરવું સૌથી વધુ પસંદ
અશોક ચૌધરી પોતાના 20 વર્ષના કચ્છની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો અનુભવ જણાવતાં જણાવે છે કે, આજે લુપ્ત થઈ રહેલું અને દુનિયાનું એક માત્ર સૌથી મોટો ઉડી શકે તેવો પક્ષી ઘોરાડ કે જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ તરીકે ઓળખાય છે. જેના માટે અબડાસા વિસ્તારમાં ઘોરાડ અભ્યારણ્ય આવેલું છે. એક સમય હતો જ્યારે મોટી માત્રામાં કચ્છની અંદર ઘોરાડ જોવા મળતા હતા પરંતુ આજે માત્ર 4 જેટલા જ રહ્યા છે.
આ તસ્વીર લીધી અને જાણે સપનું સાકાર થયું (ETV BHARAT GUJARAT) કચ્છની ધરા અને કુદરત જ તેમને પ્રોત્સાહન કરે છે
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તરીકે ઘોરાડ પક્ષીને પોતાના કેમેરામાં કેદ કરવો તે તેમને પસંદ છે અને કચ્છના ગ્રાસ લેન્ડમાં એક પરફેક્ટ તસવીર ક્લિક કરવા માટે ફરવું એ પણ તેમને ખૂબ પસંદ છે. કચ્છ અશોક ચૌધરીની જન્મભૂમિ છે અને કચ્છની ધરા અને કુદરત જ તેમને પ્રોત્સાહન કરે છે. ભૂકંપ બાદ કચ્છની અંદર મોટી માત્રામાં વિકાસ થયું જે જરૂરી પણ હતું, પરંતુ એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે જાણ્યું કે કચ્છની કુદરતમાં પણ ઘણું બધું બદલાઈ ગયું છે.
કચ્છની વન્ય સંપદા તસવીરો દ્વારા લોકોને બતાવી
કચ્છની વાઈલ્ડ લાઈફની અંદર જે દુર્લભ પ્રજાતિઓ છે, વન્ય સંપદા છે તેમને કેમેરામાં કેદ કરવાનું ધ્યેય રાખીને ઘોરાડ પક્ષીના ફોટો ક્લિક કરીને આ સફર શરૂ કરી હતી. કચ્છની અંદર અનેક એવી વન્ય સંપદા છે. જેના વિશે કચ્છના લોકોને પણ જાણ નથી. જે અશોક ચૌધરીએ પોતાના કેમેરામાં કેદ કરીને લોકોને બતાવી છે. કચ્છ છે તે દુનિયાની અંદર કોહિનૂર હિરો છે. કચ્છ જેવી ભૌગોલિક પરિસ્થિતિ દુનિયામાં ખૂબ ઓછી જગ્યાએ હશે.
કચ્છના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે કેદ કરેલી અદભુત ક્ષણો (ETV BHARAT GUJARAT) કચ્છની અંદર યુનિક ઇકો સિસ્ટમના કારણે સુંદર વાઈલ્ડ લાઈફ
કચ્છની અંદર રણ, દરિયો, ડુંગર અને વરસાદી નદીઓ છે અને આવી યુનિક ઇકો સિસ્ટમના કારણે અહીં સુંદર વાઈલ્ડ લાઈફ પણ છે. કચ્છની અંદર એવી અનેક પ્રજાતિના પશુ પક્ષીઓ છે કે જે માત્ર કચ્છમાં જ જોવા મળે છે. જેમ કે કેરેકલ, હાયના, લેપર્ડ કચ્છની અંદર જોવા મળે છે પરંતુ લોકોને ધ્યાનમાં નથી. અશોક ચૌધરી પોતાની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીથી કચ્છની અંદર રહેલી વન્યજીવ સૃષ્ટિને કચ્છના તમામ લોકો સુધી પહોંચાડવા માંગે છે અને તેઓ આ બાબતે સફળ પણ થયા છે.
વાઈલ્ડ લાઈફ અંગે વાત કરતા અશોકભાઈ (ETV BHARAT GUJARAT) નર ઘોરાડની ટેરીટરી ફાઇટની અદભુત ક્ષણો કેદ
અશોક ચૌધરીએ પોતાના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકેના ફિલ્ડ અનુભવ જણાવતાં વાત કરી હતી કે, તેઓ જ્યારે ઘોરાડ પક્ષીની તસવીરો કેદ કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે જે ક્ષણો જોઈ છે અને પોતાના કેમેરામાં કેદ કરી છે તે ક્ષણ નર ઘોરાડ એક ટેરીટરી એટલે કે એક વિસ્તાર માટે પોતાનું વર્ચસ્વ દર્શાવીને ઝઘડતા હોય. જ્યારે બે નર ઘોરાડ જ્યારે જગ્યા માટે ટેરીટરી ફાઇટ કરે ત્યારે તેઓ પોતાની શારીરિક ક્ષમતા દર્શાવે છે અને તે પોતાના ગળાના ભાગને ફુલાવીને એક અનોખો અવાજ ઊભો કરે છે અને પોતાની શારીરિક ક્ષમતા દર્શાવે છે અને જણાવે છે કે હું આ વિસ્તારનો આલ્ફા નર છું. આ પ્રદર્શન છે તે કલાકો અને દિવસો સુધી ચાલતું હોય છે.
કચ્છના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે કેદ કરેલી અદભુત ક્ષણો (ETV BHARAT GUJARAT) બે નર ઘોરાડ વચ્ચે થતા યુધ્ધની ક્ષણો કેદ કરવાની તક
બે નર ઘોરાડ દ્વારા એક નૃત્ય કરવામાં આવે છે તે ક્ષણ માણવા તેમજ કેમેરામાં કેદ કરવા માટેની તક કુદરતે તેમને આપી હોય તેવું અશોક ચૌધરી માની રહ્યા છે. એક દિવસ નલિયાના ભાનાળાના ગ્રાસલેન્ડમાં અશોક ચૌધરી ગયા ત્યારે તેમને એવો આભાસ થયો કે કોઈ માલધારી એ સફેદ રંગની શાલ ઓઢી છે પરંતુ જ્યારે તે નજીક ગયા ત્યારે જોયું કે દુનિયાનો સૌથી મોટો આલ્ફા નર ઘોરાડ કે જેને કચ્છના લોકોએ અબ્દુલ નામ આપ્યું હતું. અબ્દુલ એક બીજા નર ઘોરાડ સાથે ટેરીટરી ફાઇટ કરી રહ્યો હતો. ત્યારે તેમણે આ નૃત્ય પ્રથમ વખત જોયું ત્યારે તેઓ સમજી ન શક્યા કે આ શું થઈ રહ્યું છે. માટે કોઈ પણ પ્રકારના બીજા વિચારી વગર તેમને આ ક્ષણો ને કેમેરામાં કેદ કરવાનું શરૂ કર્યું.
ઘોરાડ વચ્ચે થતી ટેરીટરી ફાઇટ (ETV BHARAT GUJARAT) યુદ્ધનો નિર્ણય કેવી રીતે થાય?
અશોકભાઈને એવું લાગ્યું કે આ ક્ષણો ફિલ્મી પ્રકારના છે જેથી તેમણે તેની વિડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.તે સમયે તેમને જાણ ન હતી કે તેઓ પોતે એક અદ્ભુત અને દુર્લભ ક્ષણો કેદ કરી રહ્યા છે.વીડિયોમાં બે નર એક વિસ્તાર માટે તેમજ માદા ઘોરાડ માટે એક નૃત્ય કરતા હોય છે અને કોઈ પણ નર ઘોરાડ અન્ય નર ઘોરાડને કોઈ પણ રીતે નુકસાન નથી પહોંચાડતા હોતા છતાં પણ તેઓ પોતાની શારીરિક ક્ષમતા બતાવે છે અને તેનાથી યુદ્ધનો નિર્ણય આવે છે. જેના જે નર ઘોરાડ શારીરિક રીતે સક્ષમ હોય અને નૃત્યમાં પણ લાંબા સમય સુધી તે નૃત્ય કરે તે નર ઘોરાડ વિજેતા થાય અને એ નર ઘોરાડ માદા ઘોરાડ સાથે સહવાસ કરે છે અને તે વિસ્તારનો તે આલ્ફા નર ઘોરાડ બને છે.
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર અશોક ચૌધરી (ETV BHARAT GUJARAT) દિવસ દરમિયાન દીપડાને જોવું અને તેને કેમેરામાં કેદ કરવું તે એક ચેલેન્જ
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તરીકે રાખવા પડતા ધૈર્ય અંગે વાત કરતા અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં કોઈ પણ પ્રકારની સ્ક્રિપ્ટ કામ નથી કરતી પરંતુ ઘણા એવા સપનાઓ અને વિચારો હોય જેને જીવવાની, જોવાની અને કેમેરામાં તે ક્ષણોને ક્લિક કરવાની ખૂબ ઇચ્છા હોય છે. પોતાના થ્રિલિંગ અનુભવ અંગે વાતચીત કહેતા જણાવ્યું હતું કે કચ્છની અંદર દીપડાની સંખ્યા ખૂબ સારી છે. કચ્છની અંદર દિવસ દરમિયાન દીપડાને જોવું અને તેને કેમેરામાં કેદ કરવું તે એક ચેલેન્જ છે.રાત્રીના સમયે તે રોડ ક્રોસ કરતા હોય ત્યારે તે દેખાઈ જાય છે, પરંતુ દિવસના ભાગે તેને જોવું તે અઘરું છે.
દીપડાની સુંદર તસવીરો ક્લિક કરી
કચ્છની અંદર દીપડાને દિવસ દરમિયાન જોવું અને તેને કેમેરામાં કેદ કરવું તેને એક ચેલેન્જ તરીકે માનીને તેમને દીપડાની સુંદર તસવીરો ક્લિક કરી છે. કચ્છના દીપડાઓ એકદમ અલગ અને ડીવાઈન છે. જૂન માસ દરમિયાન અનેક સમયની મહેનત કર્યા બાદ એક દિવસ એવો આવ્યો હતો જ્યારે તેઓ હતાશ થઈ ગયા હતા કે હવે દીપડાને દિવસ દરમિયાન જોવાની જીદ્દ છોડી દેવી જોઈએ અને રોજ એક જ જગ્યાએ 200 વખત ગયા બાદ પણ કોઈ સફળતા ના મળી અને મહેનત વ્યર્થ ગઈ તો હવે આશા છોડી દેવાની વાત થઈ હતી.
કચ્છના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે કેદ કરેલી અદભુત ક્ષણો (ETV BHARAT GUJARAT) દિવસના સમયે દીપડાનો સુંદર ફોટો ક્લિક કરવો જે એક સપનું હતું
એક વખત દૂર એક બખોલમાં કોઈ વન્યજીવની હલનચલન જણાઈ આવી હતી. તો અનેક વખત દીપડા દેખાયા હોય તેવા આભાસ થતા હતા, પરંતુ જ્યારે તેમણે બખોલની અંદર જોયું તો નર દીપડો અંદર બેઠો હતો અને દોઢેક કલાક બાદ તે બહાર આવ્યો અને તેણે કેમેરામાં કેદ કર્યો. દીપડો છે તે એક સારો શિકારી પણ છે, માટે તેની અને આપની વચ્ચે યોગ્ય અંતર રાખવો પણ ખૂબ જરૂરી છે. દિવસ દરમિયાન દીપડાનો સુંદર ફોટો ક્લિક કરવો જે એક સપનું હતું તે પૂર્ણ થયું હતું.
કુદરતની નજીક જવાની તક જ શ્રેષ્ઠ એવોર્ડ
પોતાને વાઈલ્ડ લાઈફ ક્ષેત્રે મળેલા એવોર્ડ્સ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમને ઘણા પ્રખ્યાત એવોર્ડ્સ મળ્યા છે પરંતુ તેમની દૃષ્ટિએ એવોર્ડની વ્યાખ્યા જુદી છે. તેઓ માને છે કે જ્યારે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે તેઓ ફિલ્ડમાં હોય ત્યારે કુદરત સાથેનો જે સબંધ છે તે દરમિયાન યોગ્ય સ્થાન પર યોગ્ય જવાબદારીથી તે કર્મ કરી રહ્યા હોય ત્યારે તેમની તપસ્યાથી રાજી થઈ કુદરત જ્યારે તેમને પોતાની નજીક આવવાની તક આપે છે. તે તેમના માટે વિશિષ્ટ એવોર્ડ છે.
ભારે જહેમત પછી મળી દીપડાની તસ્વીર (ETV BHARAT GUJARAT) સેન્ચ્યુરી એશિયાની સ્પર્ધામાં સ્પેશિયલ મેન્શન
અશોક ચૌધરી દ્વારા નર ઘોરાડની ટેરીટરી ફાઇટ એમની તસવીરો તેમને તેમના મિત્રને રિસર્ચમાં મદદરૂપ થવા માટે આપી હતી. જે તેમની જાણ બહાર વાઈલ્ડ મહારાષ્ટ્ર કરીને એશિયાની સૌથી મોટી ફોટોગ્રાફી કોમ્પિટિશન થાય છે તેમાં સબમિટ કરી હતી. એક દિવસ સવારના રૂટિન મુજબ સોશિયલ મીડિયા જોતા હતા અને લોકોના અભિનંદન માટેના ફોન અને મેસેજ શરૂ થઈ ગયા હતા. જેથી તેમને કંઈ સમજાતું ના હતું પછી એક મિત્રએ જણાવ્યું કે સેન્ચ્યુરી એશિયાની જે કોમ્પિટિશન હતી. તેમાં તેમની તસવીરને સ્પેશિયલ મેન્શન કરવામાં આવ્યું છે. સ્પેશિયલ મેન્શન એ પહેલા બીજા અને ત્રીજા નંબર કરતા જુદો જ સ્થાન ધરાવતું હોય છે.
WWF સાથેના પ્રોજેકટમાં રોયલ્ટી દાનમાં આપી
આ ઉપરાંત પણ અશોક ચૌધરીને નેશનલ ઈન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે. ઘોરાડના કંઝર્વેશન અંગેની જેટલી પણ તસવીરો છે તે વિશ્વની જેટલી પણ વાઈલ્ડ લાઈફ અને નેચરની ખ્યાતનામ મેગેઝિન છે તે બધા પર કચ્છના ઘોરાડની તસવીરો ફ્રન્ટ પેજ પર છપાઈ ચૂકી છે. WWF એટલે કે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર અને આઇટીસી કલાસમેટનો એક સયુંકત પ્રોજેકટ હતો. જેમાં અશોક ચૌધરીએ પોતાની રોયલ્ટી દાનમાં આપી હતી. આ પ્રોજેક્ટમાં 1 કરોડ જેટલી બુક પ્રિન્ટ કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા કેદ કરવામાં આવેલી વિવિધ વાઈલ્ડ લાઈફની તસવીરો પ્રિન્ટ કરવામાં આવી હતી. જેમાં તેમને ક્રેડિટ પણ આપવામાં આવી હતી. આ બાબતનો તેમનો ઇન્ડિયા બુક રેકર્ડની અંદર વર્લ્ડ રેકોર્ડ પણ છે.
કચ્છના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે કેદ કરેલી અદભુત ક્ષણો (ETV BHARAT GUJARAT) કચ્છના લોકોને કચ્છના પર્યાવરણ અને વન્યજીવોની ચિંતા હોવી જરૂરી
અશોક ચૌધરી માટે ફોટોગ્રાફી એક સાધના છે અને કુદરતની સાથે રહેવાનો, કુદરતને સમર્પિત થવાની અથવા તો જ્યારે તમે દુનિયાભરથી હતાશ થઈ ગયા હો ત્યારે કુદરત પાસે જવું પડતું હોય છે. કચ્છની અંદર ઇકો ટુરિઝમનો વિકાસ કરવો જોઈએ. કચ્છના વિવિધ કન્ઝર્વેશન વિસ્તારોના લોકો સાથે મળીને ત્યાંની વન્ય સંપદા અંગે કચ્છના લોકોને માહિતગાર કરવા જોઈએ કારણ કે કચ્છની અંદર જે વન્ય સંપદા છે તે દુનિયાની અંદર ક્યાંય પણ નથી. કચ્છના લોકોને કચ્છની અંદર રહેલા કન્ઝર્વેશન અને વન્યજીવોની કદર નથી. કચ્છના લોકોને જ કચ્છના પર્યાવરણની અને વન્યજીવોની ચિંતા હોવી જોઈએ.
- ભાવનગર: સરકારી આવાસ બનવા છતાં 'મફતનગર' કેમ ઘટતા નથી? ગઢેચી નદી કાંઠે વસતા લોકોએ ઠાલવી વ્યથા
- અમિત શાહના નિવેદનનો અમદાવાદથી જૂનાગઢ-ઉના સુધી વિરોધ, કલેક્ટરને આવેદન આપી રાજીનામાની માંગણી