પંચમહાલ:પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાંથી પાછા ફરતા સમયે એક ગુજરાતીના નિધનના સમાચાર મળી રહ્યા છે. સંગમ તટે સ્નાન કરીને ઘરે પરત ફરતી વખતે એક માતાએ અંતિમ શ્વાસ લીધા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પંચમહાલના ગોધરા શહેરના રહેવાસી કોમલબેન ઠાકર તેમના 76 વર્ષીય માતા હંસાબેન ઠાકરને કુંભ મેળામાં લઈ ગયા હતા, જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું.
દીકરી માતાની ઈચ્છા પૂરી કરવા મહાકુંભની યાત્રાએ લઈ ગઈ
હંસાબેનની ઈચ્છા હતી કે, તેઓ કુંભમેળાની યાત્રા કરે, જેને પૂર્ણ કરવા તેમની પુત્રીએ શ્રવણની જેમ માતાને યાત્રાએ લઈ જવાનું બીડું ઝડપ્યું હતું. તેઓ અયોધ્યા, છૈપેયા અને કાશી સહિતના અન્ય ધાર્મિક સ્થળોએ પણ દર્શન કરી આવ્યા હતા. પરંતુ પાછા ફરતી વખતે વડોદરાથી ગોધરા તરફ ઈકોવાનમાં મુસાફરી દરમિયાન હંસાબેનનું અચાનક અવસાન થયું હતું.
ઘરે પાછા ફરતા સમયે રસ્તામાં જ મોત
ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ઘટના એક દુર્લભ કિસ્સો બની રહી છે જ્યાં કુંભ સ્નાન કરીને પરત ફરતી વખતે કોઈ શ્રદ્ધાળુનું અવસાન થયું હોય. હંસાબેનના અચાનક અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. માતા ભલે ઘરે પરત ન ફર્યા, પરંતુ તેમની છેલ્લી ઈચ્છા પૂર્ણ થઈ અને તેઓ અનંતયાત્રાએ નીકળી ગયા.