અમદાવાદ :ગુજરાતમાં નીટ પેપર લીકનો મામલો હોય કે ચાંદપુર તાવથી 73 બાળકોના મોતનો મામલો હોય. સંસદમાં ગુજરાતી સાંસદો એ રાજ્યમાં નીટના મામલે કે જાહેર આરોગ્યના મામલાને વધુ ઉજાગર કરવા કરતાં હાઈ-વેના મુદ્દાને અગ્રીમતા આપી છે. જેના સીધા નિશાને રહ્યાં છે, ભાજપના બોલકા નેતા અને હાલ નેતૃત્વ સામે સીધુ બોલતા નીતિન ગડકરી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી અગાઉ પણ અનેક નિવેદનો કરીને વિવાદ સર્જ્યો હતો. છેલ્લે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના કેબિનેટ સાથી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણને મેડિક્લેમ અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં જીએસટીમાં છૂટ હોવી જોઇએ એ મામલે પત્ર લખીને મોદી સરકાર સહિત દેશના રાજકીય વાતાવરણમાં અપેક્ષિત આશ્ચર્ય સર્જ્યુ હતુ. ગુજરાતના 26 પૈકી 25 સાંસદો ભાજપના છે. રાજ્યમાં ચાંદીપુર તાવ, નીટ પેપર લીક, ચોમાસામાં પાણી-પૂરથી તારાજી, 60થી વધુ મૃત્યુ અને જામ-માલની તારાજી, રાજકોટ અગ્નિકાંડ, મોંધા થતા શિક્ષણ, સરકારી નોકરી માટે પ્રદર્શન અને હીરા અને ગારમેન્ટ ક્ષેત્રે મંદી જેવા મસમોટા પ્રશ્નો નાગરિકોને સતાવે છે. આ પ્રશ્નો કેન્દ્રીય નેતૃત્વની નજરે આવે એ માટે સંસદમાં તેની યોગ્ય રજૂઆત થાય એ માટે નાગરિકો સાંસદો સામે મીટ રાખીને બેઠા છે. ત્યારે ગુજરાતી સાંસદો એ જાણે રાજ્યમાં હાઈ-વેની સ્થિતિને લઇને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નિશાને સાધ્યા હોચ તેવું જણાય છે. શક્ય છે આ ભાજપનું આંતરિક સત્તાનું રાજકારણ આ મુદ્દે ગરમાયું હોય.
- સાબરકાંઠાના નવા સાંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઈ-વેની નબળી ગુણવત્તા અંગે કરી રજુઆત
2024માં પહેલી વાર ચૂંટાયેલા સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા મતક્ષેત્ર વિસ્તારથી પસાર થતા 93.21 કિ.મીની લંબાઈ ધરાવતા નેશનલ હાઈ-વે અને હાઈ-વે પર નિર્માણધીન બ્રીજની ગુણવત્તા, સર્વિસ રોડની બાદબાકી કરી છે એ મુદ્દાની રાવ તેઓએ કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને કરી છે. આ સાથે સાંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઈ-વે પરના હલકી ગુણવત્તાના કામને ફરીથી નવેસરથી કરવા માટે માંગ કરી છે. સાબરકાંઠામાં સૌથી વધુ ચાંદીપુર તાવના કેસ અને મરણના આંકડા છે ત્યારે શોભનાબેન બારૈયા પાસે ચાંદીપુર વાયરસ નિયંત્રણ અને જાહેર આરોગ્યના સુધારા અંગેની સંસદમાં રજૂઆત અપેક્ષિત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ ગુજરાતના મનસુખ માંડવિયા છે. પણ શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પસાર થતા અને ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા નિર્મીત નેશનલ હાઈ-વે અને બ્રીજની હલકી ગુણવત્તા બાબતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી, કેન્દ્ર સરકારના વિભાગ નબળી કામગીરી કરે છે એ બાબતનું અનુમોદન આપ્યું છે.
ગુજરાતી સાંસદોના નિશાને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Etv Bharat Gujarat) - કચ્છના ત્રીજી વખતના સાંસદ વિનોદ ચાવડાએ, નીતિન ગડકરી સામે 7 પ્રશ્નો રજૂ કર્યા
કચ્છની અનુસૂચિત જાતિની અનામત બેઠક પરથી સતત ત્રીજી વખત વિજેતા થયેલા સાંસદ વિનોદ ચાવડાએ પણ માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીને પોતાના વિસ્તારના રસ્તા અંગે રજૂઆત કરી છે. સાંસદ વિનોદ ચાવડાએ માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને કચ્છ - માળીયા, મોરબી નેશનલ હાઇ-વેને સિક્સસ લાઇનમાં તબદીલ કરવાની માંગ કરી છે. પોતાની રજૂઆતમાં કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ 7 પ્રશ્નો માર્ગ પરિવહન, ધોરીમાર્ગ અંગે રજૂ કર્યા છે. કચ્છમાં છાસવારે ડ્ર્ગ્સ પકડાતુ જાય છે, પાણી અને સંરક્ષણ જેવાં સંવેદનશીલ મુદ્દાઓથી સતત ઘેરાયેલા કચ્છ વિસ્તારમાં અનેક પ્રશ્નો છે, જેની નાગરિકો ઉકેલ થવાની રાહ જુએ છે.
- પાટણના રિપીટ સાંસદ ભરતસિંહ ડાભીએ પણ ટોલટેક્સ મુદ્દે ઉઠાવ્યા પ્રશ્ન
2024ની લોકસભા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ચૂંટાયેલા ભાજપના ભરતસિંહ ડાભીની આ બીજી ટર્મ છે. પહેલી ટર્મમાં સંસદમાં તેઓએ માત્ર છ પ્રશ્નો ઉઠાવ્યા હતા. 2024ની બીજી ટર્મના ચોમાસુ સત્રમાં પાટણ બેઠકથી વિજેતા થયેલા ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ કચ્છ - પાલનપુર નેશનલ હાઈ-વે પરના ત્રણ ટોલ ટેક્ષ બંધ કરવા માટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને માંગ કરી છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 60 કિ.મીથી ઓછા અંતરમાં એક થી વધુ ટોલટેક્સ બુથ હોય તો એ એક હુથ બંધ કરવું. પણ હાલ કચ્છ - પાલનપુર નેશનલ હાઈ-વે આવા બુથ કાર્યરત છે. જેનાથી હજારો વાહનચાલકોને મોટી રકમનો ટેક્સ ચૂકવવો પડે છે. આ હાઇ-વે પરના ત્રણ પૈકી બે ટોલ ટેક્સ બંધ કરવાની પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની માંગ છે.
- ગુજરાતના સાંસદો નેશનલ હાઈ-વેની ગુણવત્તા અને ટોલટેક્સ બુથની ફરિયાદ કરે છે
ગુજરાતના સાંસદોની રાજ્યમાંથી પસાર થતા નેશનલ હાઈ-વે અને બ્રીજની ગુણવત્તા અંગે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને રજૂઆત કરે છે. પાટણના સાંસદ ભરતસિંહની માંગ ટોલટેક્ષ બુથ હટાવવા તો સાંબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઈ-વેની ગુણવત્તા હલકી છે એવો સીઘો આક્ષેપ કરીને ચોંકાવી નાંખ્યા છે. આશરે 93 કિ.મીના નેશનલ હાઈ-વે અને 25 બ્રીજની હલકી ગુણવત્તાની રજૂઆત પહેલી વાર ચૂંટાયેલા સાબરકાંઠા સાંસદે માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી એ રાજકીય રીતે મોટી ઘટના કહેવાય. રાજકારણ પક્ષમાં હોય એ સ્વાભાવિક છે. પણ નેરેન્દ્ર મોદી સરકારના એક દસકાના સમયમાં નિર્મિત નેશનલ હાઈ-વે પરના બ્રીજની ગુણવત્તા અને કેટલાંક માર્ગો અંગે હાલ ગુણવત્તાની જે ફરિયાદો અને રજૂઆત સંસદ અને મંત્રીને મળીને થાય છે એ સુચવે છે કે, ભાજપમાં સબ સલામત નથી. શું પક્ષનું આંતરિક રાજકારણ તો કેન્દ્રીય મંત્રીના નિશાને નથી ને ? દેખો આગે-આગે હોતા હૈ ક્યા ?
- ટોલ ટેક્સ ઓછો કરીને વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરો, પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન માંડવિયાને ભાજપના નેતાની રજૂઆત - toll tax issue