ગાંધીનગર: ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં છૂટ છવાયા વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ઉપરાંત ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર 11 જૂન સુધી તો મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ જ ગયું હશે. ત્યારે વાતાવરણમાં પલટો પણ આવી રહ્યો છે અને જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ વરસાદ થયાની શક્યતાઓમાં જિલ્લાઓની સંખ્યા ઓછી થઈ રહી છે.
ખેતી પ્રધાન દેશમાં વરસાદનું 0મહત્વ:વરસાદ એ માનવ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. એમા પણ ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં વરસાદનું કંઈક અલગ જ મહત્વ છે. આથી જૂન મહિનાની શરૂઆતથી તમામ ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે. કારણ કે શરૂઆતનો વરસાદ પાકની વાવણી માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે.
મહત્તમ તાપમાન 41 સેલ્સિયસ: પરંતુ વાતાવરણમાં આવેલા પલટાને પરિણામે ગુજરાત રાજ્યમાં વરસાદ નબળો પડ્યો છે અને ગરમી ફરી વધી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ અહીનું મહત્તમ તાપમાન 41 સેલ્સિયસ દર્શાવવામાં આવ્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે, દક્ષિણ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત 9-10 જુનના આસપાસ થઈ ગઈ હતી પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 કે 20 જૂનના આસપાસ થશે.