ગાંધીનગર:કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત 5 ડિસેમ્બરના રોજ 'અન્ન ચક્ર' PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (SCAN) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રૂટ ઓપ્ટિમાઈઝેશન અમલીકરણના પ્રયાસો: ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા(PDS) સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન, કે જેમાં ખાસ કરીને રૂટ ઓપ્ટિમાઈઝેશન અમલીકરણના ઉત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ 2022ના જૂન માસથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(FCI) અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ(GSCSCL)ના તમામ ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનો(FPS)ને ઓનલાઈન PDS પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ-ફેન્સ કરવામાં આવ્યા છે.
FITT, IIT દિલ્હી અને WFP દ્વારા ઓપ્ટિામાઇઝેશન સ્ટડી:ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT), IIT દિલ્હી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા સંયુક્ત રીતે એક ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત માટે L1 એટલે કે, FCI/CWC થી GSCSCL ગોડાઉન સુધીમાં 38 ટકા અને L2 એટલે કે GSCSCL થી FPS સુધીમાં 06 ટકા સુધીના નોંધપાત્ર ખર્ચ ઘટાડાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિભાગે વ્યાપક વિશ્લેષણ હાથ ધરીને ઓપ્ટિમાઇઝ કરી શકાય તેવા L1 માટે 651 રૂટ્સ અને L2 માટે 16.827 રૂટ્સની ઓળખ કરી હતી.
રુ. 4.5 કરોડ અને માસિક રુ. 56 લાખની બચત: FCI ની FIFO નીતિ અને મૌસમી વિવિધતા જેવા પડકારો હોવા છતાં આ વિભાગે FCIના અધિકારીઓ,જિલ્લા અધિકારીઓ અને પરિવહન એજન્સીઓ સહિતનાં હિતધારકો સાથે સતત બેઠકો અને ચર્ચા વિચારણા કરી હતી. L1 માટે 239માંથી 170 એટલે કે 71.12 ટકા રૂટ અને L2 માટે 16.827માંથી 15.376 એટલે કે 91.37 ટકા રૂટ સફળતાપૂર્વક ઑપ્ટિમાઇઝ કર્યા હતા. જેના પરિણામે ડિસેમ્બર 2023થી જુલાઈ 2024 દરમિયાન જ પરિવહન ખર્ચમાં કુલ અંદાજિત રૂ. 4.5 કરોડ અને માસિક સરેરાશ રૂ. 56 લાખની બચત થઈ હતી.