અમદાવાદ:રાજ્યભરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી હાલમાં લેવાઈ રહી છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી 12,472 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારથી પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી શરૂ થઈ ગઈ છે. હવે ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારો માટે એક નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. જેમાંથી ભરતી અંગેની મહત્વની વિગતો તથા અન્ય સહાય અહીંથી જ મળી રહેશે.
ઉમેદવારો માટે ભરતી વેબસાઈટ જાહેર કરાઈ
આ અંગે ગુજરાત પોલીસ દ્વારા X પર ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, પોલીસ ભરતી બોર્ડ દ્વારા https://gprb.gujarat.gov.in/index-guj.htm વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાતો અને વિગતોની સમગ્ર માહિતી ઓનલાઈન મેળવી શકશે. આ વેબસાઈટ પર હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ શારીરિક કસોટી બદલવા અંગે 911 જેટલા ઉમેદવારોએ કરેલી અરજી તથા તેમની શારીરિક કસોટીની નવી તારીખ અને સ્થળ પણ આ સાઈટ પર મૂકવામાં આવી છે.