અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ ભરતીમાં ઊંચાઈને લઈને મહીસાગરના એક ઉમેદવારે એડવોકેટ ગૌરાંગ ચૌહાણ મારફતે રિટ પિટિશન દાખલ કરી છે. અરજદારે રજૂઆત હતી કે, સોલા સિવિલમાં તેની ઊંચાઈ 164.9 CM બતાવવામાં આવી હતી. જ્યારે પોલીસ ભરતીમાં 164 CM બતાવીને તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપીને હાઈકોર્ટને જણાવવા માટેના નિર્દેશ આપ્યા છે.
ઉમેદવારની ઊંચાઈને લઈને વિવાદ: પોલીસ વિભાગમાં ભરતી થવા માટે ઉમેદવારો સખત મહેનત કરે છે. તેમજ ભરતી માટે પોતાનું પૂરુ જોર લગાવી દે છે. ત્યારે ઉમેદવારો શારીરિક કસોટીમાં લાયક ઠરવા માટે પોતાની બનતી મહેનત કરે છે, તેમ છતા ક્યારેક ક્યારેક ભરતીમાં કેટલીક વખત વિવાદો પણ ઉભા થઈ જાય છે. એવો જ એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યો છે. જેમાં ઉમેદવારની ઊંચાઈને લઈને વિવાદ સામે આવ્યો છે.
ઉમેદવારે રિટ પિટિશન દાખલ કરી: કેસની મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટમાં મહીસાગરના એક ઉમેદવારે એડવોકેટ ગૌરવ ચૌહાણ દ્વારા રિટ પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે, અરજદારે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી 11.000થી વઘુ પોલીસ કર્મચારીઓની ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેનો ફિઝિકલ ટેસ્ટ માટેનો નંબર 10 જાન્યુઆરીના રોજ કપડવંજ ખાતે આવ્યો હતો. ઉમેદવાર ભરતીની પ્રક્રિયા ભાગ લેવા પહોંચ્યો હતો અને દોડવાની પરીક્ષામાં તે પાસ થયો હતો .જોકે, તેની ઊંચાઈ 164 CM નીકળતા તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. અને તે આ પરીક્ષામાં નાપાસ થયો હતો. આ પરીક્ષામાં પુરુષો માટે ઊંચાઈની લાયકાત 165 CM નક્કી કરવામાં આવી છે, અરજદાર પોતે SEBC કેટેગરીમાંથી આવતો હોવાથી તેની ઊંચાઈ નિયમો મુજબ 165 CM હોવી જોઈએ.
સોલા સિવિલને ઊંચાઈ માપન કરવાનો નિર્દેશ: આ રિટ પિટિશનમાં વધુ જણાવવામાં આવ્યું કે, અગાઉના વર્ષોમાં પણ લોકરક્ષક ભરતીની એક પરીક્ષામાં અરજદારે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પણ આ જ પ્રશ્ન ઉભો થયો હતો. તેથી હાઇકોર્ટ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં તેની ઊંચાઈની માપણી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો, ત્યારે તેની ઊંચાઈ 164.9 CM નીકળી હતી અને હાઇકોર્ટે અરજદારની અરજી તે વખત મંજૂર કરી હતી, પરંતુ અરજદાર લેખિત પરીક્ષામાં નાપાસ થયો હતો. આ મામલે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવી છે અને આ મામલે વધુ સુનાવણી 10મી ફેબ્રુઆરી કરવામાં આવશે. તેમજ અરજદારને સોલા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઈ માપવા ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે. અરજદારે અરજીના નિકાલ સુધી આ પોલીસ ભરતીમાં એક જગ્યા ખાલી રાખવાની પણ માંગ કરી છે. અરજદારની અપીલને ભરતી બોર્ડની કમિટીએ નકારતા અરજદારે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
આ પણ વાંચો: