ગાંધીનગર: ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 105 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 126 ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં 116 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
ગઈકાલે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી:તાલુકાની વાત કરીએ તો, જામનગર તાલુકામાં 15 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 11 ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં 10-10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજકોટ તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ થયો છે. આમ, સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી.
જામનગરના ધ્રોલ તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં 7 ઈંચથી વધુ જ્યારે, રાજકોટના ગોંડલ, પોરબંદરના કુતિયાણા અને જામનગરના જોડીયા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલુકામાં, જુનાગઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલુકા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલુકામાં ૫ ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકામાં 4 ઈંચથી વધુ, 8 તાલુકામાં 3 ઈંચથી વધુ, 27 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 95 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના 80 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 250 તાલુકામાં સરેરાશ ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આજે તારીખ 28 મી ઓગસ્ટ, 2024 ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર કરીને 105 ટકા સુધી પહોંચ્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 125 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 116 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 109 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 102 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 84 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
-
વડોદરા જિલ્લામાં મેઘ મહેર: રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ ૩ કોલમ મેદાનમાં ઉતારી - Army deployed due to heavy rain - વડોદરામાં સતત ત્રીજા દિવસે પાણીમાં ગરકાવ: શહેરીજનોમાં પાાણી સાથે મગરનો ડર - rain update in vadodara