અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે જમીન સંપાદનના કિસ્સામાં વળતર સંબંધિત કેસોની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલો દ્વારા સોગંદનામું યોગ્ય રીતે ફાઈલ ન કરાતું હોવાનું નોંધ્યું હતું. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે "રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા જે સોગંદનામાં દાખલ કરવામાં આવે છે તે સોગંદનામામાં ફકરા પાડીને જવાબો કે વિગતો નથી હોતી. ઉલ્લેખનીય છે કે વકીલો દ્વારા ફાઈલ કરવામાં આવતા સોગંદનામામાં યોગ્યતા શોધતી હાઈકોર્ટે આખરે આ અંગે સુધારો લાવવા આ ટકોર કરી છે.
સરકારી વકીલોને ખંડપીઠે કરી ટકોર
આ અંગે હાઇકોર્ટની જીપી ઓફિસને ઉદ્દેશ કરતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે હુકમ કર્યો હતો કે, તમામ સરકારી વકીલો દ્વારા પિટિશનમાં જણાવેલા મુદ્દા અનુસંધાનમાં ફકરા પાડીને અને યોગ્ય રીતે મુદ્દા સાથે જવાબ રજૂ કરવાનો રહેશે. આ મામલો ધ્યાનમાં લઇ રાજયના એડવોકેટ જનરલને પણ હુકુમ કરવામાં આવ્યો હતો.
સોગંદનામું યોગ્ય રીતે રજૂ કરવા જણાવ્યું
હાઇકોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન વધુ જણાવ્યું હતું કે, વિવિધ કેસોની હિયરિંગ દરમિયાન એ હકીકત ધ્યાનમાં આવી છે કે, રિટ પિટિશનના જવાબમાં રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવતા એફિડેવિટમાં ફકરા પાડીને કે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને લઈ તે મુજબ યોગ્ય રીતના જવાબ જ નથી હોતા. હાઇકોર્ટને ફક્ત તથ્યો જણાવવા નહીં પરંતુ ફકરા પાડીને જવાબ સોગંદનામા ફાઈલ કરવા તમામ સરકારી વ્યક્તિઓને હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે આ અંગે ટકોર કરી હતી કે, અગાઉ પણ આ મુદ્દે કોર્ટ દ્વારા મુખ્ય સરકારી વકીલના ધ્યાનમાં લાવવામાં આવ્યું છે, પરંતુ એવું લાગે છે કે તેમને આ બાબતે કોઈ ચિંતા નથી. કારણ કે હજી પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. જેને લઈને હાઇકોર્ટે સરકારી પક્ષને એવી ચેતાવણી પણ આપી હતી કે જો હવેથી આ પ્રકારે સોગંદનામું કે એફિડેવિટ ફાઈલ થયા નહીં હોય તો તેની ગેરહાજરીમાં રિટ પીટીશનના તથ્યોને સાચા માનીને સ્વીકારવામાં કરવામાં આવશે.
આ પણ વાંચો:
- પોરબંદર: વસૂલાતના 6 હજાર સરકારમાં જમા ન કરાવવું તલાટીકમ મંત્રીને ભારે પડ્યું, 16 વર્ષે થઈ જેલની સજા
- વલસાડ જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ, ડાંગરના પાકને થયું નુકસાન