આણંદ :રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આણંદ જિલ્લામાં બોરસદ વિસ્તારના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જોકે અહીં પાણી ભરેલા હોવાથી ઋષિકેશ પટેલે અન્ય લોકો સાથે ટ્રેક્ટરમાં બેસી વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા રાહત કામગીરી :ઋષિકેશ પટેલે કહ્યું કે, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં પણ કચરો ફેલાયો છે, ત્યાં પાણીજન્ય રોગને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય ટીમ સાથે ડોક્ટરો તૈનાત છે. ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે વિક્ષેપો સર્જાયો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ :રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી તરફથી સતત સૂચનાઓ મળી રહી છે. IMD ની આગાહીના આધારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમે સક્રિય રીતે કામ કરી રહ્યા છીએ. દ્વારકા અને સુરતમાં બચાવ કામગીરી ચાલી રહી છે. જેમાં અસરગ્રસ્ત રહેવાસીઓને મદદ કરવા અને કટોકટીનું સંચાલન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.