ગુજરાત સરકાર દેવું કરીને ઘી પી રહી છે ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકારની નીતિ સંદર્ભે આકરા વાકપ્રહાર કર્યા હતા. મોઢવાડિયાએ ગુજરાત સરકાર દેવું કરીને ઘી પીવે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારનું દેવું સતત વધી રહ્યું હોવાનું પણ કહ્યું હતું. તેમણે વીજળીની આપૂરતી અને સસ્તાભાવે જમીન આપી દેવાની સરકારી નીતિને વખોડી હતી.
અર્જુન મોઢવાડિયાના વેધક સવાલઃ ધારાસભ્ય મોઢવાડિયાએ વિધાનસભામાં નાણાં અને ઊર્જા વિભાગની ચર્ચા દરમિયાન ગુજરાત સરકારને વેધક સવાલો પણ કર્યા હતા.
- કુલ મહેસુલી આવકમાંથી 45.03 ટકા રકમ તો વ્યાજ ચુકવણી, પગાર ખર્ચ અને પેન્શન ખર્ચમાં વપરાય છે, તો વિકાસ કાર્યો કઈ રીતે થાય?
- નાણાંકીય વર્ષના અંતે રાજ્ય ઉપરનું કુલ દેવુ વધીને રૂપિયા 4.17 લાખ કરોડ થઈ જવાનું છે, સરકાર જવાબ આપે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે તો આટલુ દેવુ કેમ કરવુ પડે છે?
- રાજ્ય સરકાર વિજળી ઉત્પાદન ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરવાની જગ્યાએ ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદીને તેનો બોજ ગ્રાહકો ઉપર શા માટે નાંખી દે છે?
- ગુજરાત પાસે વિન્ડ અને સોલર એનર્જીની વિપુલ તકો છે, તેનો પર્યાપ્ત ઉપયોગ કરવાને બદલે શા માટે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદે છે?
કુલ મહેસૂલી આવકના 45.03 ટકાનું ચૂકવણુંઃ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકારની દેવું કરીને ઘી પીવાની નીતિ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સમય બદલાય તેમ આવકની પ્રાથમિક્તા બદલાતી હોય છે. નાણાપ્રધાન નાણાં વિભાગની જે માંગણીઓ લઈને આવ્યા છે તેમાં કુલ મહેસૂલી આવકના 11.80 ટકા રકમ ફક્ત વ્યાજ ચૂકવવામાં જાય છે. 21.33 ટકા પગાર ખર્ચ પાછળ અને 11.90 ટકા પેન્શન ખર્ચમાં જાય છે. એટલે કે વ્યાજ ચૂકવણી, પગાર ખર્ચ અને પેન્શન ખર્ચ પાછળ કુલ 45.03 ટકાનું ચૂકવણું થાય છે. મહેસુલી આવકની માત્ર ૪૭ ટકા રકમ આપણે લોક કલ્યાણ પાછળ ફાળવીએ છીએ.
અધધધધધ દેવું?:અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાત ઉપર એક રૂપિયાનું દેવું ન હતું. હવે બજેટના નાણાંકીય વર્ષના અંતે રાજ્ય ઉપરનું કુલ દેવુ વધીને રૂપિયા 4 લાખ 17 હજાર 978 કરોડ થઈ જવાનું છે. સરકાર જવાબ આપે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે તો આટલુ દેવું કેમ કરવું પડે છે ? સરકાર નવુ કંઈ નથી કરતી છતાં દેવું વધી રહ્યું છે. કર્મચારીઓની સંખ્યા વર્ષ 2022-23 માં 4,90,009 હતી. આજે ઘટીને 4,67,390 થઈ ગઈ છે છતાં પણ બજેટમાં ખર્ચ વધતો જાય છે.
ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનઃ ગુજરાત વર્ષ 1990માં જ 100 ટકા ગામડાંઓમાં વીજળી પહોંચાડનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયુ હતું. તે સમયની કોંગ્રેસ સરકારે ફ્રી વીજળી કનેક્શન આપેલા. કોંગ્રેસની સરકારે કોઈ દેવું કર્યા વિના ઉકાઈ ડેમ બનાવ્યો. ઉકાઈ ટી.પી.એસ. થર્મલ પાવર સ્ટેશન બનાવ્યું. એ પણ સ્વદેશી ભેલની ટેક્નોલોજીથી બનાવ્યું. ઉકાઈ ટી.પી.એસ.ના 4 યુનિટ વર્ષ 1985 માં બની ગયા, જ્યારે 5મુ યુનિટ વર્ષ 2013માં અને 6ઠ્ઠુ યુનિટ વર્ષ 2017માં બન્યું. ઉકાઈ ટી.પી.એસ.ની કેપિસિટી 1350 મેગાવોટ હતી. એમાંથી આપણે યુનિટ-1 અને 2ને રીટાયર્ડ કરી દીધા એટલે ઘટીને વીજળી 1110 મેગાવોટ થઈ ગઈ. ગાંધીનગરમાં બન્ને યુનિટ 780 મેગાવોટ કેપિસિટીના હતા. તેને ઘટાડીને વર્ષ 2016માં 630 મેગાવોટ કરી દેવામાં આવી.
અન્ય પાવર સ્ટેશનઃ વણાકબોરીમાં 1થી 7યુનિટ વર્ષ 1988 સુધી બની ગયા હતા. તેની કેપિસિટી 1470 મેગાવોટ હતી. સિક્કાના બે યુનિટની કેપિસિટી 740 હતી. વર્ષ 1998માં તે પણ બની ગયા હતા. કચ્છમાં 290 મેગાવોટ કેપિસિટીના લિગ્નાઈટ ટી.પી.એસ. બન્યા તેમાંથી વર્ષ 2020માં 2 યુનિટ રિટાયર્ડ કરી દેવાયા. ભાવનગર લિગ્નાઈટ 500 મેગાવોટનું બન્યું. આખા ગુજરાતનું પહેલું ઓઈલ અને ગેસ આધારીત ટી.પી.એસ. ઘુવારણમાં જી.ઈ.બી. બન્યુ, એ 534 મેગાવોટ કેપિસિટીનું હતું. એમાંથી 2 યુનિટ રિટાર્યડ કરી દેવામાં આવ્યા, જેની સામે નવા બનાવાયા નહીં. ઉતરાણમા સી.સી.પી.પી 1અને 2 વર્ષ 1992-93માં બન્યા એમાંથી 135 મેગાવોટ રીટાયર્ડ કરી દેવાયુ. ઉકાઈ હાઈડ્રોપાવર કોંગ્રેસે બનાવ્યું, જે આજે 305 મેગાવોટ કેપિસિટી સાથે ચાલુ છે. કડાણા અને પાનમ કેનાલ આધારીત યોજના થઈ એમાં 240 મેગાવોટનું યુનિટ બન્યુ અને બીજા 2 યુનિટ બન્યા. આ બધા કોંગ્રેસના શાસનમાં બન્યા હતા. આ સરકારે વીજળી ઉત્પાદનમાં વધારો તો કર્યો નથી, ઉલ્ટાનો ઘટાડો કર્યો છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જે લિગ્નાઈટ બેઝ્ડ પાવર સ્ટેશનની કેપિસિટી 1200 મેગાવોટની છે. એમાંથી માત્ર 707 જ ઉપયોગ થાય છે. આપણે બહારથી મોંઘા ભાવે વીજળી ખરીદીએ છીએ.
- Arjun Modhwadia: મહાત્મા ગાંધી જન્મભૂમિ પોરબંદરને 'આયકોનિક ટૂરિસ્ટ સ્પોટ' તરીકે વિકસાવો - અર્જુન મોઢવાડિયા
- MP અને છત્તીસગઢનું પરિણામ આંચકાજનક-તેલંગણામાં પરિવર્તનની લહેર, અર્જુન મોઢવાડિયાની ચૂંટણી પરિણામ પર પ્રતિક્રિયા