ગુજરાત

gujarat

ETV Bharat / state

પત્રકાર મહેશ લાંગાના આગોતરા જામીન મંજૂર, જાણો સમગ્ર મામલો - JOURNALIST MAHESH LANGA

અમદાવાદની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે પત્રકાર મહેશ લાંગાના આગોતરા જામીન મંજૂર કર્યા છે. મહેશ લાંગા વિરુદ્ધ વેપારી સાથે 28 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે.

પત્રકાર મહેશ લાંગા
પત્રકાર મહેશ લાંગા (મહેશ લાંગા X)

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2024, 11:11 AM IST

અમદાવાદ :ગત 25 નવેમ્બરના રોજ ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગાના અમદાવાદની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. મહેશ લાંગા વિરુદ્ધ એક વેપારી સાથે 28 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે. એડિશનલ સેશન્સ જજ એચ. જી. પંડ્યાએ એ નોંધ્યા બાદ આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી કે, મહેશ લાંગા એક સ્થાનિક રહેવાસી છે જે સમાજમાં ઊંડા મૂળ ધરાવે છે અને તેથી તેના ફરાર થવાની શક્યતા નથી. ટ્રાયલ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં અસ્પષ્ટ વિલંબ થયો હતો.

મહેશ લાંગાના આગોતરા જામીન મંજૂર :ટ્રાયલ કોર્ટે કહ્યું કે, "ફરિયાદ દાખલ કરવામાં વિલંબ માટે પ્રથમ બાતમીદારે કોઈ કારણ આપ્યું નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને, હું વર્તમાન અરજદારની તરફેણમાં વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરીને આગોતરા જામીનને મંજૂરી આપુ છું." ટ્રાયલ કોર્ટે વધુમાં એ હકીકતને ધ્યાનમાં લીધી કે આ કેસમાં કથિત અપરાધ માટે મહત્તમ સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. તદુપરાંત, ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે વિવાદ નાણાની ચુકવણીને લગતો હોવાથી તે નાગરિક પ્રકૃતિનો હોવાનું જણાય છે.

શું છે મહેશ લાંગા છેતરપિંડી કેસ ?મહેશ લાંગા હાલમાં કથિત GST કૌભાંડના સંબંધમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસમાં તેમની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. હાલનો કેસ ખુશી એડવર્ટાઇઝિંગ આઇડિયાઝ પ્રાઇવેટ લિમિટેડના માલિક પ્રણય શાહની ફરિયાદના આધારે અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) દ્વારા દાખલ કરાયેલ FIR સંબંધિત છે.

રૂ. 28 લાખની છેતરપિંડીનો આરોપ :ફરિયાદી પ્રણય શાહે દાવો કર્યો હતો કે, તે દોઢ વર્ષ પહેલાં બોડકદેવમાં એક કોફી શોપમાં મહેશ લાંગાને મળ્યો હતો, જ્યારે લાંગાએ કથિત રીતે પોતાને પ્રભાવશાળી રાજકીય અને અમલદારશાહી કનેક્શન ધરાવતા પત્રકાર તરીકે રજૂ કર્યા હતા. મહેશ લાંગા પર વધુમાં આરોપ છે કે, તેણે અખબારોમાં પ્રણય શાહના ગ્રાહકો વિશે "સકારાત્મક સમાચાર" પ્રકાશિત કરવામાં મદદ કરવાનું વચન આપ્યું અને દિલ્હીમાં મીડિયા કર્મચારીઓ સાથે બેઠકો ગોઠવી હતી. પ્રણય શાહે દાવો કર્યો હતો કે તેણે આ સેવાઓ માટે 16 માર્ચ અને 6 જૂન, 2024 ના રોજ મહેશ લાંગાના ખાતામાં રૂ. 28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

મહેશ લાંગા તરફે દલીલ :મહેશ લાંગાએ તેમની આગોતરા જામીન અરજીમાં છેતરપિંડીના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે, પ્રણય શાહ દ્વારા તેમને ટ્રાન્સફર કરવામાં આવેલી કોઈપણ રકમ સલાહકાર તરીકે આપવામાં આવતી સેવાઓ સામે ચૂકવવામાં આવી હતી. તેમની પાસે તેમના મોબાઇલ ફોન પર આ દાવાને સમર્થન આપવા માટે પુરાવા છે, પરંતુ તે બતાવવામાં અસમર્થ છે. કારણ કે GST ચોરીના કેસમાં તેમની ધરપકડ પછી પોલીસ દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યો છે. મહેશ લાંગાએ ઉમેર્યું હતું કે, તે આ બાબતમાં તેની સદબુદ્ધિ (સારી ઈરાદો) બતાવવા માટે ટ્રાયલ કોર્ટમાં રુ. 28 લાખ જમા કરાવવા તૈયાર છે.

સામા પક્ષે લાંગાની ધરપકડ પૂર્વેની જામીન અરજીનો વિરોધ કરતા એવી દલીલ કરી હતી કે, આ મામલે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. જોકે, કોર્ટે આખરે મહેશ લાંગાની આગોતરા જામીન અરજી એ શરતે મંજૂર કરી હતી કે તે 15 હજારના જામીનના બોન્ડ જમા કરાવે અને અન્ય જામીનની શરતોની સાથે સમાન રકમની એક જામીનગીરી પણ આપે. મહેશ લાંગા તરફથી એડવોકેટ એ. જે. યાજ્ઞિક હાજર રહ્યા હતા. GST ચોરીના કેસમાં મહેશ લાંગા જેલમાં રહેશે.

  1. પત્રકાર મહેશ લાંગા સામે એક ફરિયાદઃ એક પાર્ટીનું બિલ 5 લાખ
  2. આવાસ જર્જરિત થઈ જાય તો તપાસ થવી જોઈએઃ ગુજરાત હાઈકોર્ટ

ABOUT THE AUTHOR

...view details