ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત પાટણ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. તમામ પક્ષ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. પાટણમાં આયોજીત રાહુલ ગાંધીની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તકે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર :રાહુલ ગાંધીએ રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણી બાદ ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભા દરમિયાન જણાવ્યું હતું કે, રાજા રજવાડાઓ ગરીબ લોકો પાસેથી જમીન છીનવી લેતા હતા. રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. તેમણે નવાબો અને સુલતાનનું નામ લીધું નથી.
કોંગ્રેસનો વિરોધ કરવાનો ભાજપને કોઈ અધિકાર નથી : ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
આ મામલે ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના મુદ્દે કોંગ્રેસ સામે વિરોધ કરવાનો ભાજપને કોઈ અધિકાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ઊભા રહીને રાજા રજવાડાઓની અંગ્રેજો સાથે સાંઠગાંઠ હોવાનું નિવેદન આપ્યું છે. પુરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની માં બહેનો વિરુદ્ધ નિવેદન કર્યું હોવા છતાં તેમને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સમાવવામાં આવ્યા છે. જૂનાગઢ ભાજપ પ્રમુખે પણ રાજાઓ વિશે હિન પ્રકારની ટિપ્પણી કરી છે. ક્ષત્રિય સમાજ આટલું મોટું આંદોલન કરી રહ્યો હોવા છતાં રૂપાલાની ટિકિટ કાપવામાં આવી નથી.
ચૂંટણીમાં ધનબળની સામે જનબળનો વિજય થશે : ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
ભાજપના રાજમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યા છે. યુવાનો બેરોજગાર થયા છે. ભાજપ પાસે ધન-બળની તાકાત છે. પરંતુ આ ચૂંટણીમાં ધનબળની સામે જનબળનો વિજય થશે. જનતા કોંગ્રેસની સાથે છે. રાહુલ ગાંધીની સભાથી ઉત્તર ગુજરાતની ચારેય સીટ પર કોંગ્રેસનો વિજય થશે. અમે ગુજરાતમાં 2004 નું પુનરાવર્તન કરીશું. જનતા ભાજપના શાસનથી થાકી ગઈ છે.
- જયેશ રાદડિયાએ ભાજપ સામે બળવો કર્યો હોવાની વાત ઈરાદાપૂર્વક પાર્ટીને બદનામ કરવા ફેલાવવામાં આવી
- રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો આમને-સામને