ગુજરાત

gujarat

ETV Bharat / state

3 વર્ષમાં 4 કરોડથી વધુની મંદિરોમાં ચોરીનો કોંગ્રેસનો દાવો, મંદિરની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવા કરી માંગ - GUJARAT CONGRESS

મંદિરોમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને કોંગ્રેસ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ મંદિરોની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવા કરી માંગ કરી છે.

મંદિરોમાં વધતી ચોરીની ઘટનાઓને કોંગ્રેસના ભાજપ સરકાર પર આરોપ
મંદિરોમાં વધતી ચોરીની ઘટનાઓને કોંગ્રેસના ભાજપ સરકાર પર આરોપ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 9:13 PM IST

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે કહ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં મંદિરોની અંદર બેફામ ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે રાજ્યની અંદર મંદિરો સુરક્ષિત નથી તે માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાની માંગ કરી છે.

મંદિરમાં વધતી ચોરીની ઘટના પર કોંગ્રેસે ભાજપને ઘેરી: રાજ્યમાં વધતા મંદિરમાં ચોરીના બનાવને લઈને કોંગ્રેસે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે કહ્યું કે, "કરોડો ગુજરાતીઓના આસ્થાનું સ્થાન શક્તિપીઠ પાવાગઢ સહીત રાજ્યના અનેક ધાર્મિક સ્થાનોમાં ચોરી,લૂંટ, ધાડની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં માત્ર રહેણાંક-વ્યવસાયિક વિસ્તારોમાં જ બેફામ પણે ચોરી, લૂંટ અને ધાડને ચોરો ટાર્ગેટ કરતા નથી પણ હવે તો મંદિરોમાં પણ બેફામ પણે લૂંટ અને ચોરીની ઘટનાઓ બની રહી છે. હિન્દુત્વની દુહાઈ દેતી સરકાર મંદિર અને ભગવાનને પણ સલામતી આપવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે.

કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરના રાજ્ય સરકાર પર આરોપ (Etv Bharat Gujarat)

3 વર્ષમાં 4 કરોડથી વધુની મંદિરોમાં ચોરી: કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે "ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં મંદિરોમાંથી ચોરીમાં કુલ .૪,૯૩,૭૨,૨૪૭ની રોકડ રકમ અને મુદામાલની ચોરી ભાજપ સરકારમાં થઈ છે. ગુજરાતમાં વર્ષ ૨૦-૨૧માં ૧૫૧ મંદિરોમાં, વર્ષ ૨૧-૨૨માં ૧૭૮ મંદિરોમાં અને વર્ષ ૨૨-૨૩માં ૧૭૨ એમ કુલ મળીને ૫૦૧ ચોરીની ઘટનાઓ બની છે. હથિયાર સાથે ધાડની પણ પાંચ ઘટનાઓ બનેલ છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. અને સરકારના સલામતના મોટા મોટા દાવાની પોલ છતી કરે છે."

મંદીરોમાં ચોરીની વધતી ઘટનાઓને લઈને કોંગ્રેસે આપ્યો ડેટા (ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ)

ભગવાનના નામે રાજનીતિ કરતી ભાજપ: આગળ તેઓ જણાવે છે કે "ગુજરાતના નાગરીકોના આસ્થાના પ્રતિક એવા મંદિરોમાં થઇ રહેલી લૂંટ ધાડ, ચોરીની ઘટના માત્ર મંદિરોમાં સીસીટીવી લગાવી સુરક્ષાની સાંત્વના સરકાર આપી રહી છે. ભગવાનના નામે રાજનીતિ કરતી ભાજપ માત્ર મતનું તરભાણું ભરાયની ચિંતા કરે છે? "

દારૂ-ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે: હિરેન બેન્કરે સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "નવરાત્રીના પાવન પર્વમાં પણ બહેન-દીકરીઓ પર થતા બળાત્કાર,વ્યાજખોરો-બુટલેગરો બેફામ, ખુલ્લેઆમ દારૂ-ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે ત્યારે ગુજરાતની સુરક્ષા ભગવાન ભરોસે છે. રાજ્યમાં પ્રજાની સુરક્ષા-સલામતી સાથે સબ સલામતના દાવો કરતી ભાજપ સરકારના રાજમાં વાસ્તવિકતા કંઇક જુદી જ છે."

મંદિરની સુરક્ષા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સની માંગ: "ગુજરાતમાં પોલીસ કર્મીઓની મોટા પાયે ઘટ છે, પોલીસકર્મીઓની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. ત્યારે નાગરીકોની સુરક્ષા-સલામતી માટે ચુસ્ત વ્યવસ્થાપન માટે સત્વરે ભરતી કરવામાં આવે, ગુજરાતના તમામ નાના મોટા મંદિરોની સુરક્ષા વધારવામાં આવે અને મંદિરની સુરક્ષા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરી છે.

  1. કચ્છ પંથકમાં 10 મંદિરોના તાળા તૂટ્યાં, તસ્કરોએ પોલીસને ફેંક્યો પડકાર
  2. વાવમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, પ્રચાર માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉતર્યા

ABOUT THE AUTHOR

...view details