અમદાવાદઃ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા વટવા વિસ્તારમાં એક ખુની ખેલ થયો હતો. જેમાં વાળ કાપવાના રૂપિયા માગવા જેવી સામાન્ય બાબતમાં આરોપીએ દુકાનદારને છરીના ઉપરાછાપરી દસથી વધુ ઘા મારી હત્યા કરી નાખ્યાની ઘટના બની હતી. સમગ્ર દુકાનમાં લોહી જ્યાં ત્યાં પડ્યું હતું. આરોપી ત્યાં સુધી આવેશમાં આવી ગયો હતો કે તેને ભાન પણ ન રહ્યું અને તેના જ હાથ પર ઘણી વાર છરી વાગી ગઈ હતી. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ હતી કે આ શખ્સે હત્યા માટેની છરીની ઓનલાઈન શોપિંગ કરી હતી. પોલીસનું કહેવું છે કે ગુના માટે ઓનલાઈન હથિયારની ખરીદી કરી હોય તેવો લગભગ ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષમાં કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમ અહેમદ ખલીફા ઉંમર વર્ષ 35 (રહે. શાહીન પાર્ક, વટવા, અમદાવાદ)ની આરોપી મોહિદખાન પઠાણ દ્વારા હત્યા કરવામાં આવ્યાની ઘટનાને લઈને મૃતક વસીમ એહમદ અન્સારહુસેન ખલીફાના ભાઈ મોહમ્મદ મોહસીન અન્સારી હુસેન ખલીફાએ વટવા પોલીસ સ્ટેશન ખાતે ખુનની ફરિયાદ નોંધાવતા, આ ગુનાની તપાસ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પે. પી.બી.ઝાલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.
કેવી રીતે બની ઘટના
અમદાવાદ શહેર સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા ઝોન 06, ડીસીપી રવિ મોહન સૈની દ્વારા આ ગુનાની તપાસ ગંભીરતાથી કરવામાં આવે તેમજ આ ગુનાની તપાસમાં સાંયોગિક પુરાવા એકત્રિત કરી અને ગંભીરતાથી જીણવટ ભરી તપાસ કરવા સૂચનાઓ તેમને આપવામાં આવી હતી. ઉપરી અધિકારીઓની સૂચના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ઝાલા, ડી સ્ટાફના પીએસઆઇ એ.બી.ગંધા તથા હે.કો. યુવરાજસિંહ, અજયસિંહ, અનવરખાન, સહિતની પોલીસ ટીમ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સોર્સ અને મળેલી માહિતીને આધારે આરોપી મોહિદખાન પઠાણની ધરપકડ કરી લીધી હતી.
કેમ કરી હતી હત્યાઃ આવો કેવો ઈગો
આરોપી મોહિદખાન પઠાણની વટવા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમ્યાન ગુનામાં વાપરેલા અને કબ્જે કરવામાં આવેલા હથિયાર એટલે કે છરી, આરોપી મોહિનખાન પઠાણ દ્વારા ફ્લિપ કાર્ટ (flipkart) મારફતે ઓનલાઈન મંગાવેલી હોવાની કબૂલાત કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે એસીપી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, દુકાનદારે ગ્રાહક પાસેથી પૈસા માગવા જેવી સામાન્ય બાબતમાં આ વ્યક્તિને અહમ લાગ્યો અને ગુસ્સે ભરાયો જે પછી તેણે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ એટલે ચોંકી ગઈ કે ગુનો કરવા વાપરેલું હથિયાર ઓનલાઇન મંગાવ્યું હોય, એવો આ કદાચ પહેલો કિસ્સો હશે...!! આરોપીની કબૂલાત આધારે આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલો મોબાઈલ ચેક કરતા, આરોપી દ્વારા ફ્લિપકાર્ટ (flipkart) માં ઘણા મેસેજ કરી, ઓર્ડર આપેલાની તેમજ બીજા ઘણા ઓર્ડર કેન્સલ પણ કરાવેલાની વિગત મળતા, પોલીસ ટીમ દ્વારા આ બાબતે તપાસ દરમિયાન ફ્લિપ કાર્ટ (flipkart) પાસેથી વિગતો મંગાવવા તેમજ ડિલિવરી કરવા આવનાર માણસને શોધી, નિવેદનો લેવા તજવીજ હાથ ધરી છે. આમ, પોતાના મોબાઈલ મારફતે flipkart માં ઓર્ડર આપી, હથિયાર મેળવી, ગુનો આચરવામાં આવેલો હોઈ, પોલીસ તપાસમાં આ અગત્યનો સાયોગિક પુરાવો સાબિત થાય તેમ છે. આ ઉપરાંત, બનાવ સમયે મળેલા સીસીટીવી પણ કબ્જે લઈને એફ.એસ. એલ. માં તપાસણી માટે મોકલી આપ્યા છે.
એસીપી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, આ આરોપી એટલો આવેશમાં હતો કે તેને પકડી રાખવા માટે પણ ત્રણથી ચાર માણસોનું બળ લગાવવું પડતું હતું. મૃતક વ્યક્તિ વાળ કાપી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હકનો રૂપિયો માગવામાં આટલી ઘાતક હત્યા રૂંવાડા ઊભા કરી દેનારી હતી. કારણ કે જ્યારે પોલીસ જ્યારે સ્થળ પર ગઈ ત્યારે તેની દુકાન આખી જાણે લોહીથી ભરાઈ ગઈ હતી. સામાન્ય રકમ માટે ઘાતકી હત્યાના મામલામાં પોલીસને સીસીટીવી જોઈ પ્રથમ આરોપી સુધી પહોંચવાની કડી મળી. જે પછી પોલીસે આરોપીને કોર્ટમાં સજા થાય તે માટે જરૂરી પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી ત્યારે હથિયાર અને તે હથિયાર કેવી રીતે મેળવ્યું તેના પણ પુરાવા મળ્યા છે. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. વટવા વિસ્તારમાં વાળ કાપવાના રૂપિયા આપવા જેવી સામાન્ય બાબતમાં બનેલા ખૂનના બનાવને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને જીણવટભરી તપાસ હાથ ધરી, ગુન્હો કરેલા આરોપી મોહિનખાન પઠાણ વિરુદ્ધ સાંયોગિક પુરાવાઓ મેળવી, કાયદાનો સકંજો કસવા માટે પણ કામગીરી કરી છે. વટવા પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.