કચ્છ: માંડવી બીચ પર બે મહિના પહેલા એક્ટીવા પાસે ઉભા રહી દારૂ સાથે વીડિયો બનાવી વાયરલ કરેલા આરોપીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. ચુડાસમાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બનાવી માંડવી બીચ ઉપર સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ શરૂ કરી હતી. વીડિયોમાં શખ્સ બોલી રહ્યો છે કે, "આવી જાવ ભાઇ, માંડવી બીચે આવ્યા અને દારૂ ના પીધો તો શું કર્યું. આવી જાવ દારૂ લ્યો, દારૂ લ્યો." બોલી વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
માંડવી બીચ પર એકટીવામાં દારૂ વેચવાનો વીડિયો થયો હતો વાયરલ
LCB સ્ટાફની ટીમ દ્વારા વીડિયો વાયરલ કરનાર આરોપી મોહનીશ ઉદાશીને પકડીને પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, આ વીડિયો હું અને મારા મિત્રો માંડવી બીચ પર દારૂ પીવા ગયેલા હતા. ત્યારે મારા મિત્ર કમલસિંહ જાડેજાએ બનાવ્યો હતો અને આ વીડિયો બે મહિના જૂનો હોવાની કબુલાત કરી હતી.
આરોપી ઝડપાયો ત્યારે પણ નશામાં મળ્યો
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટર હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી કોની પાસેથી દારૂ લઈને આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવશે અને આ આરોપી મોહનીશ ઉદાશીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલસે ઝડપ્યો ત્યારે પણ તે દારૂ પીધેલ હાલતમાં મળી આવ્યો હતો. જેથી માંડવી પોલીસ સ્ટેશન ખાતે તેના વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે નાગરિકો સમક્ષ કરી અપીલ
આ ઉપરાંત વીડિયો બનાવનાર કમલસિંહ જાડેજા પર પણ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. હાલમાં પ્રવાસીઓની સીઝન છે ત્યારે માંડવી બીચ પર પોલીસની વિવિધ શાખાઓની ટીમો પેટ્રોલિંગ કરી રહી છે. તો નાગરિકોને પણ કોઈ સ્થળે દારૂનું વેચાણ કે દારૂનું સેવન થઈ રહ્યું હોવાનું જણાઇ આવે તો તરત પોલીસને જાણ કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: