ભુજ: શહેરના કોડકી રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક ક્રેટા કાર ચાલકે બાઇક પર સવાર 3 લોકોને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
CCTVમાં કેદ થઈ હિટ એન્ડ રનની ઘટના
ભુજના કોડકી રોડ પાસે આવેલા બીએસએફ કેમ્પ અને ખાવડા મીઠાઈના કારખાના પાસેના ચાર રસ્તા પર રોડ ક્રોસ કરતાં બાઇક સવાર ત્રણ યુવકોને સેવન સ્કાય તરથી પુરપાટ વેગે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. ફુલ સ્પીડમાં આવતી કારની ટક્કર બાદ બાઈક પર સવાર ત્રણેય યુવકો હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયા હતા અને હવામાં ઉછળીને 20 ફૂટ દૂર રોડ પર પટકાયા હતા.
બાઈક પર ત્રણ પૈકી બે યુવકોના મોત
સમગ્ર ઘટનામાં બાઇક પર સવાર બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે વધુ એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ ખાવડા મીઠાઈના કારખાનામાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
કારની ટક્કરે 3 યુવકો હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયા
વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ભુજના કોડકી રોડ પર એક બાઈક પર 3 યુવક ક્રોસ રોડ પર વળાંક લઈ રહ્યા છે, તે દરમિયાન રોડ પર સેવન સ્કાય તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી ક્રેટા કારનો ચાલક ક્રોસ રોડ પર ટર્ન લઈ રહેલ બાઇક ચાલકોને જોરદર ટક્કર મારે છે અને ગમખ્વાર અકસ્માત સર્જાય છે. ફુલ સ્પીડમાં આવતી કારની અડફેટે બાઈક આવતા બાઇક પર સવાર ત્રણેય યુવકો હવામાં ફૂટબોલની માફક ઉછળે છે અને 20 ફૂટ દૂર જઈને રોડ પર પટકાય છે.
કાર ચાલકની બેદરકારી પર પણ સવાલો ઉઠ્યા
કારની ટકકરથી હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા ત્રણેય બાઇક સવારોને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. ઘાયલ ત્રણેય યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે યુવકોનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. જ્યારે ત્રીજા યુવાનને પગના ભાગે હાડકામાં ક્રેક થયા હોવાથી તેની સારવાર ચાલી રહી છે. ભુજમાં સર્જાયેલ આ અકસ્માતમાં બે યુવકોના મોતથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, તેમજ ફૂલ સ્પીડમાં કાર હંકારતા કાર ચાલકની બેદરકારી પર પણ સવાલો ઉઠ્યા છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
સમગ્ર અકમસત બાબતે ભુજ એ ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધ કરી છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા કાર કે જે ડેમો એટલે કે ટેસ્ટ ડ્રાઇવ માટેની કાર છે, તેના અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ યુવકો પૈકી ભુજના કેમ્પ એરિયામાં રહેતા 27 વર્ષીય નરેશ ભીમજી ચારણ અને જેસ્ટાનગરમાં રહેતા 37 વર્ષીય આમદ હાસમ સમાંનું હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય એક યુવકની વધુ સારવાર ચાલી રહી છે.
અકસ્માત બાદ કારચાલક ફરાર
ઉલ્લેખનીય છે કે આ અકસ્માત બાદ ટેસ્ટ ડ્રાઇવ કાર ચલાવી રહેલા કારચાલક ઘાયલોની સારવાર માટે નીચે ઉતર્યા બાદ સ્થળ પરથી નાસી ગયો હતો અને પોલીસે હાલ જાણવા જોગ નોંધીને કારચાલકને ઝડપી પાડવા માટે પણ તપાસ હાથ ધરી છે.