ગાંધીનગર :ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ચોમાસુ સત્ર આજે 21 ઓગસ્ટ, બુધવારથી શરુ થઈ રહ્યું છે. આ વિધાનસભા સત્રમાં મહત્વના પાંચ બિલ મૂકવામાં આવશે. જેમાં ભ્રષ્ટાચાર અને અંધશ્રદ્ધા ડામવા માટે જરૂરી બિલ રજૂ કરવામાં આવશે.
ઋષિકેશ પટેલ પ્રવક્તા પ્રધાન, ગુજરાત સરકાર (ETV Bharat Gujarat) વિધાનસભાનું ચોમાસું સત્ર :ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે. આ સિવાય કાળા જાદુ અને અંધશ્રદ્ધા રોકવા માટે કાયદો લાવવો તથા દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગે કાયદો લાવવા બિલ રજૂ કરાશે.
મહત્વપૂર્ણ બિલ :મહેસૂલ વિભાગ પણ બિન ખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે, જે કૃષિ અને નોન-એગ્રીકલ્ચર લેન્ડ કન્વર્ઝનના મામલાઓમાં સ્પષ્ટતા લાવશે. કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કર્યું હતું. તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે આ વિધેયકને વિધાનસભામાં રજૂ કરશે. આ ઉપરાંત ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.
"ગુજરાતમાં વધુ વરસાદ, ચાંદીપુરા વાયરસ સહિતના અનેક મુદ્દાને લગતી કામગીરીમાં વહીવટી તંત્ર લાગ્યું હતું, જેથી ટૂંકી મુદતના પ્રશ્નો સામેલ કર્યા નથી. કેટલાક એવા પ્રશ્નો જેની વિગતો મેળવવી અઘરી હતી. કોંગ્રેસ આડા રસ્તે મુદ્દા લઈ જવા માંગે છે." -- ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન, ગુજરાત સરકાર)
અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે વિશેષ કાયદો :
ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે ઘણી જગ્યાએ અનિષ્ટ અને દુષ્ટ પ્રથા ચાલતી આવે છે. જેમાં માનવ બલિદાન, વાળથી બાંધી લટકાવવાના બનાવો, મરચાંનો ધુમાડો કરવાની કે ભૂત અને ડાકણ કાઢી આપવાના કાર્ય, અઘોરી પ્રથા અને કાળા જાદુના પ્રયોગ થતાં હોય છે. કોઈ વ્યક્તિ કહેવાતા ચમત્કારો હેઠળ નાણાંનું ઉપાર્જન કરી લોકોને ત્રાસ આપે છે. અલૌકિક શક્તિના આશીર્વાદ મેળવવાના હેતું માટે કોઈની જિંદગી જોખમમાં મૂકે છે. વશીકરણ કરે છે અથવા તો જાદુનો વ્યવસાય કરે છે. આ તમામ પ્રવૃત્તિ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવી પ્રથાઓ અને તેના પ્રસાર પર રોક લગાવવા ઉપરાંત તેનું નિર્મૂલન કરવા વિશેષ અને કડક કાયદો બનાવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાને લઈને રાજ્ય સરકારે અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે વિશેષ કાયદો લાવવાની તૈયારી કરી છે. આ વિધેયકમાં 14 એવા મુદ્દાઓને આવરી લેવાયા છે, જે અંધશ્રદ્ધા ફેલાવે છે. આ કેસોમાં ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી જવાબદારો સામે અદાલતી કાર્યવાહી સુધીના પગલાં લઈ શકશે.
- "સરકારે વિપક્ષનો અવાજ દબાવવા ટૂંકી મુદતનું સત્ર બોલાવ્યું": અમિત ચાવડા
- "ભુવા-તાંત્રિકોનું આવી બન્યું", સરકાર અંધશ્રદ્ધા-કાળા જાદુ સામે લાવશે કાયદો