બારડોલીના ઉત્સવ મેળામાં રાઈડમાંથી એક મહિલા બાળક સાથે પટકાતાં ઇજા (ETV Bharat Gujarat) બારડોલી: બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાનમાં ચાલી રહેલા ઉત્સવ મેળામાં રાઈડમાંથી ઊતરતી વખતે અચાનક રાઈડ ચાલુ થઈ જતાં મહિલા અને બાળક પડી જતાં તેમને ઇજા થઈ હતી. બીજી તરફ આ મેળામાં સલામતીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. તમામ રાઈડ્સમાં ક્યાંય પણ સલામતી નથી. તો ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે મેળામાં જતાં લોકોએ રાઈડમાં બેસતા પહેલા ચેતવાની જરૂર છે.
મેળામાં મનોરંજનના વિવિધ સાધનો: બારડોલી સ્વરાજ આશ્રમમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. આશિષ અર્જુનસિંહ સીસોદિયા (ઉ.વ. 29, રહે અભિરામ નગર, શાસ્ત્રી રોડ, બારડોલી) દ્વારા ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ પ્રકારના મનોરંજનના સાધનો જેવા કે જોઇન્ટ વ્હીલ, નાવડી, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, બોનસી, મિનિ ટ્રેન, કેટર પિલર અને નાના બાળકો માટેની રાઇડ્સ સહિતના સાધનો ઉપરાંત શોપિંગ માટેની દુકાનો પણ લગાવવામાં આવી છે.
સલામતીના નામે મીંડું:આ મેળામાં સલામતીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ગત રાત્રે મેળાની બ્રેક ડાન્સ નામની એક રાઈડની મજા માણવા માટે લોકો બેઠા હતા. પરંતુ રાઈડ પૂરે પૂરી ભરાય ન હોવાથી તે ચાલુ કરી ન હતી. આથી કેટલાક લોકો ઉઠીને જવા લાગતાં ઓપરેટરે રાઈડ ચાલુ કરી દેતાં રાઈડ પરથી ઉતરી રહેલી મહિલા તેના બાળક સાથે પટકાઈ હતી. મહિલાને પગમાં ઇજા થઈ હતી. આથી મેળામાં હાજર લોકો એકત્રિત થઈ ગયા હતા અને મેળાના સંચાલકોનો ઉધડો લઈ ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે ઇજાગ્રસ્ત મહિલાએ આ અંગે કંઈ પણ કરવાનું ન કહેતા અંતે મામલો થાળે પડ્યો હતો.
બીજી તરફ બારડોલી ડીવાયએસપીએ જણાવ્યુ હતું કે, ગઈ કાલે બનેલી ઘટનામાં એક મહિલાના પગમાં મોચ આવી હતી. રાઈડમાં ઇલેક્ટ્રીક ખામીને કારણે કોઈ ઘટના બની નથી. આ અંગે બારડોલી ટાઉન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ભૂલ કે ખામી જણાશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.
- ચાલતી બસમાં અચાનક લાગી આગ, 8 લોકો ભડથું, 24થી વધુ ગંભીર રીતે દાઝ્યા, હરિયાણાના નૂંહની ઘટના - Fire In Bus In Haryana
- દર વર્ષે 12થી 13 લાખ લોકો થઈ રહ્યાં છે HIVથી સંક્રમિત, 6 લાખથી વધુ લોકો એઈડ્સથી ગુમાવે છે જીવ - World AIDS Vaccine Day