જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંતના વિવાદને લઈને હવે લડાઈ સાધુ સંતોની સાથે રાજકીય પાર્ટીમાં પણ પ્રસરે તેવી શક્યતા છે. પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચા પર ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવીને તેમને કિન્નર અખાડામાં સામેલ કરવા જોઈએ તેવી આકરી પ્રતિક્રિયા આવી છે. હાલ જે લડાઈ ભવનાથના મહંત હરીગીરી અને કમંડળ કુંડના મહંત મહેશગીરી વચ્ચે ચાલી રહી છે. તેમાં આજે રાજકીય વ્યક્તિનો પણ પ્રવેશ થતા આ મામલો હવે રાજકીય બને તેવી પણ શક્યતાઓ છે.
અંબાજી મંદિરના મહંતના ગાદીપતિનો મામલો રાજકીય આંટીઘૂટીમાં પ્રવેશ્યો
પાછલા દસ દિવસથી જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર સ્થાયી 51 શક્તિપીઠ પૈકી અંબાજી મંદિરના મહંત તનશુખગીરી બાપુના દેહ વિલય બાદ મામલો ભવનાથના મહંત હરિગીરી અને કમંડળ કુંડના મહંત મહેશગીરી વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યો છે. તેવામાં આજે મહેશગીરી બાપુએ પત્રકાર પરિષદ યોજીને જૂનાગઢના પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાને કિન્નર અખાડામાં સામેલ કરવા જોઈએ તેવી આકરી પ્રતિક્રિયા આપી છે. મહેશગીરી બાપુ દ્વારા ગિરીશ કોટેચાને લઈને જે પ્રતિક્રિયા આપવામાં આવી છે તેને લઈને હવે સમગ્ર મામલો હરીગીરી અને મહેશગીરીની સાથે હવે રાજકીય પક્ષ અને ગિરીશ કોટેચા વચ્ચે પણ શરૂ થઈ શકે છે.
ગિરીશ કોટેચાએ શું કહ્યું?
ગિરીશ કોટેચાનો ETV Bharat એ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ તે હાલ રાજકોટમાં ચાલી રહેલી રામકથામાં હાજર હોવાથી આગામી 30 તારીખે મહેશગીરી બાપુએ જે પ્રતિક્રિયા તેને લઈને તેઓ જૂનાગઢમાં ખુલાસો કરશે તેવો પ્રતિભાવ આપ્યો હતો.