જુનાગઢ: ગીરમાં પાછલા 300 વર્ષ કરતાં પણ વધુ સમયથી આફ્રિકાથી આવેલા સીદી આદિવાસીઓ નિવાસ કરી રહ્યા છે. ગીરના જાંબુર અને શિરવાણ ગામને આજે પણ મીની આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ગામમાં સિદ્દી આદિવાસીઓની એકમાત્ર વસ્તી છે. ત્યારે આફ્રિકાના આદિવાસીઓની માફક જ ત્યાંથી ગીરમાં આવેલા સીદી આદિવાસીઓએ તેમના પરંપરિક નૃત્ય ધમાલને આજે પણ જાળવી રાખ્યું છે. ગીર વિસ્તારમાં આવતો પ્રવાસી ધમાલ નૃત્ય જોયા વગર પરત જતો નથી. આટલી કુનેહ સાથે કરવામાં આવતું સીદી આદિવાસીઓનું પારંપરિક અને સાંસ્કૃતિક નૃત્ય ધમાલ આજે પણ એટલું જ પ્રસ્તુત જોવા મળે છે.
ગીરના સીદી આદિવાસી અને ધમાલ નૃત્ય:તાલાલા નજીક આવેલા જાંબુર અને શિરવાણ ગામને આજે પણ ભારતના આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. તેની પાછળનું એકમાત્ર કારણ અહીં રહેતા સીદી આદિવાસી કે, જેમનું મૂળ અને કુળ આજે પણ આફ્રિકન છે. આજથી 300 વર્ષ પૂર્વે જ્યારે સીદી આદિવાસીઓને અંગ્રેજો, પોર્ટુગીઝ, આરબો અને છેલ્લે જુનાગઢના નવાબના શાસનકાળમાં આફ્રિકાથી ખાસ મજૂરી કામ અને જંગલની દેખભાળ કરવા માટે લાવવામાં આવ્યા હતા, જે ગીરના જાંબુર અને શિરવાણ ગામમાં સ્થાયી થયા. આજથી ત્રણસો વર્ષ પૂર્વે આવેલો આફ્રિકાનો સીદી પરિવાર આજે નખશીખ ગુજરાતી બની ગયો છે પરંતુ તેમણે તેમની સંસ્કૃતિને આજે પણ પકડી રાખી છે. તેનું નામ છે ધમાલ નૃત્ય, આફ્રિકાના સીદી લોકો આ જ પ્રકારે ધમાલ નૃત્ય કરતા હતા. આજે 350 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક આ નૃત્ય આજે આધુનિક યુગમાં પણ આટલું જ પ્રસ્તુત જોવા મળે છે.
આફ્રિકાથી આવેલા અને ગીરમાં વસેલા સીદી આદિવાસીઓનું ધમાલ નૃત્ય આજે પણ મનમોહક (ETV BHARAT GUJARAT) સીદી આદિવાસીઓની વિશેષ ઓળખ:આજથી વર્ષો પૂર્વે આફ્રિકાથી ગુજરાત આવેલા અને ખાસ સૌરાષ્ટ્રમાં પોતાની અલગ ઓળખ ઊભી કરીને સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં ભળી ગયેલા સીદી આદિવાસી પોતાની કદ કાઠીને લઈને પણ એક વિશેષ ઓળખ ધરાવે છે. આજે વર્ષો પછી પણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા સીદીઓ પોતાની આફ્રિકન કદ કાઠીને જાળવી રાખવામાં સફળ રહ્યા છે. જે તેની આજે પણ એક વિશેષ અને અલગ ઓળખ તરીકે પ્રસ્થાપિત થઈ છે. આફ્રિકન આદિવાસીઓની માતૃભાષા સ્વાહીલી છે પરંતુ તેઓ દુનિયાના કોઈ પણ દેશમાં ગયા તે વિસ્તારમાં અને તે જગ્યા પર બોલાતી ભાષા શીખી અને બોલવામાં સીદી આદિવાસી ખૂબ જ પાવરધા માનવામાં આવે છે. આફ્રિકાથી આવેલો પ્રત્યેક સીદીનો પરિવાર આજે એકદમ પાકું ગુજરાતી બોલે છે, પરંતુ તેમાં તેની આફ્રિકન મૂળની છટા ચોક્કસ જોવા મળે.
ધમાલ નૃત્ય અનોખી પરંપરા અને સંસ્કૃતિ:સીદી આદિવાસીઓ દ્વારા કરવામાં આવતા ધમાલ નૃત્યને અનોખી પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડીને પણ જોવામાં આવે છે. હાસ્ય મીમીક્રી સાથેનો એક ભયાવહ નૃત્ય જેને સીદી આદિવાસી ધમાલ તરીકે ઓળખે છે. પ્રત્યેક વ્યક્તિ વિચિત્ર મુખમુદ્રા ધારણ કરીને લોકોના મનમાં હાસ્ય અને કેટલાક કિસ્સામાં ભય ઉત્પન્ન કરે છે. મોઢાના હાવભાવ જોવા મળે છે, જે સીદી આદિવાસીઓ દ્વારા રજૂ કરવામાં આવતા ધમાલ નૃત્યની એક અલગ ઓળખ પણ છે. નૃત્ય કરતાની સાથે પ્રત્યેક વ્યક્તિ વિચિત્ર અવાજો પણ કાઢતા હોય છે. શરીરના અંગોની વિચિત્ર હાવ ભાવોની સાથે મેચ થતો એક અલગ પ્રકારનો અવાજ ધમાલ નૃત્યને વધુ આકર્ષિત અને મનમોહક પણ બનાવતો હોય છે. વર્ષો પૂર્વે જ્યારે આફ્રિકાના સીદીઓ શિકાર કરતા પૂર્વે અને શિકાર કરીને આવ્યા બાદ શિકારની ખુશીની એક અલગ રીતે ઉજવણી કરતો હતો, જેને નૃત્ય દ્વારા વ્યક્ત કરવામાં આવતી હતી. સાદી ભાષામાં કહીએ તો શિકાર પર જતા પૂર્વે શિકારની સફળતા બાદ વ્યક્ત કરવામાં આવતી ખુશીના ભાગરૂપે નિસ્પંદિત થતું નૃત્ય એટલે ધમાલ. જે આજે ગીરના જાંબુર અને સીરવાણ ગામમાં 350 વર્ષ કરતાં પણ વધુ સમયથી દબદબો ધરાવે છે.
- મહિને દોઢ લાખનો ખર્ચઃ રોજ ખાય છે ડ્રાયફ્રુટ્સ કચ્છના રણની રેસમાં જીતેલો આ ઘોડો
- VIDEO: ચાલુ શાળામાં સિંહણ ઘુસી ગઈ, મારણ કર્યું, શિક્ષકો-વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પૂરાઈ ગયા