વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું ગઈકાલે મોડીરાત્રે 71 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. સેવાસીથી મહાપુરા રોડ ખાતે આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા હતા. નિવાસસ્થાનેથી શણગારેલી સબવાહિનીમાં તેમની અંતિમયાત્રા નિકળી હતી જે કીર્તિ મંદિર ખાતે પહોંચી તેમના અંતિમસંસ્કારની વિધિ સંપન્ન કરી હતી.
1970-80ના દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા:અંશુમાન ગાયકવાડે 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકતામાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટથી ડેબ્યુ કર્યું હતું. કોલકાતામાં જ 1984માં છેલ્લી મેચ રમીને તેમણે ક્રિકેટથી વિદાય લીધી હતી. તેમણે 40 ટેસ્ટ મેચમાં 30ની એવરેજથી 1985 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને 10 અડધી સદી ફટકારી હતી. તેમનો બેસ્ટ સ્કોર 201 રનનો હતો, જે તેમણે પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યા હતા. તેમણે 15 વન-ડે મેચો પણ રમી હતી, જેમાં 269 રન ફટકાર્યા હતા.
BCCI મદદની વહારે:અંશુમાન ગાયકવાડ લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલદેવ અને સંદીપ પાટીલે ગાયકવાડના પરિવારને આર્થિક મદદ કરવા માટે અપીલ કરી હતી. જે બાદ BCCI દ્વારા પણ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત પણ કરવામાં આવી હતી. તેઓએ અંતિમ શ્ર્વાસ લેતા પૂર્વ ખેલાડીઓમાં અને પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.