જૂનાગઢ: છેલ્લા 15 વર્ષથી જૂનાગઢમાં રાધેશ્યામજી રામરોટી સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. જે જૂનાગઢના એવા મધ્યમ વર્ગીય પરિવારને ભોજનની સુવિધા પૂરી પાડે છે કે જેઓ શારીરિક રીતે અશક્ત છે, પતિ અથવા પત્નીનું મૃત્યુ પામ્યું છે કે પછી સંતાનો દ્વારા કે સમાજ દ્વારા તેમનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. આવા તમામ લોકોને છેલ્લા 15 વર્ષથી ભોજન પીરસીને રાધેશ્યામજી રામરોટી સેવા આ ભોજનનું એક મહાયજ્ઞ ચલાવી રહ્યા છે જેમાં પ્રતિદિન દાતાઓની મદદથી આ ભોજન સેવા અવિરતપણે ચાલતી જોવા મળે છે.
રાધેશ્યામજી રામરોટી સેવા યજ્ઞ: જૂનાગઢમાં છેલ્લા 15 વર્ષથી અલગારી સંત રાધેશ્યામજીના નામથી રામરોટી સેવા કાર્ય ચાલી રહ્યું છે. આજથી 15 વર્ષ પૂર્વે મીનાબેન અને જગદીશભાઈ વસાવડા દ્વારા આ સેવાય યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે છેલ્લા 15 વર્ષથી સતત અને અવિરત પણે કાર્યરત જોવા મળે છે. જૂનાગઢના એવા પરિવારો કે જે શારીરિક રીતે અશક્ત છે, વૃદ્ધ છે, કોઈ પણ સંતાનો નથી, સમાજ કે તેમના સંતાનો દ્વારા તેમને તરછોડવામાં આવ્યા છે આવા પ્રત્યેક જરૂરિયાતમંદ મધ્યમ વર્ગીય પરિવારોને રાધેશ્યામજી રામરોટી સેવાયજ્ઞ દ્વારા દરરોજ વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે.
દરરોજ દાતા દ્વારા કરાય છે સેવા:સેવાય યજ્ઞમાં દરરોજ દાતા દ્વારા આર્થિક સહયોગ આપીને આ ભોજનનો સેવા યજ્ઞ સતત ચાલતો રાખવામાં આવે છે. સામાન્ય રીતે 50 થી 60 જેટલા પરિવારોને ભોજન આપવા માટે પ્રતિદિન 2000 થી લઈને 3000 રૂપિયાનો ખર્ચ આવે છે જે દરરોજના દાતા દ્વારા મળી રહે છે. સેવા યજ્ઞમાં સેવા માટે આવતા કાર્યકરો દ્વારા તમામ ભોજનને પાર્સલના રૂપમાં પેક કરીને નિર્ધારિત થયેલા લોકોના ઘર સુધી ગરમાગરમ ભોજન પહોંચાડવામાં આવે છે.