વલસાડ: રાજ્યમાં હાલ ગણેશ ચતુર્થીનો માહોલ છે. ઠેર ઠેર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરીને તેમની પૂજા અર્ચના થાય છે. સાથે પૂજા રચના આરતી વખતે તેમણે ફૂલ-હાર તેમજ વિવિધ વસ્તુઓથી સજાવવામાં આવે છે. આ સજાવટ તેમજ અર્પણ કરવામાં આવતા ફૂલોને નદીમાં પધરાવવામાં આવે છે અથવા તો નદી કિનારે ત્યજી દેવાય છે જે અનેક લોકોના પગમાં પણ આવે છે. વળી વિસર્જન બાદ અનેક POPની પ્રતિમાઓ નદી કિનારે અર્ધ વિસર્જિત થયેલી હાલતમાં તણાઈ આવે છે જે ધાર્મિક રીતે યોગ્ય ન કહી શકાય. આથી વલસાડ જિલ્લા કલેકટર દ્વારા સૌ પ્રથમવાર નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગણેશજીને ચઢાવવામાં આવતા ફૂલોને એકત્ર કરી રિસાયકલમેનનું બિરુદ મેળવનાર વલસાડના એક યુવકને આપવામાં આવશે. આ વ્યક્તિ દ્વારા ફુલોમાંથી સિક્કા બનાવી આપવામાં આવશે સાથે પીઓપીની અર્ધ વિસર્જિત થયેલ પ્રતિમા પણ આપવામાં આવશે જેને રિસાયકલ કરી વિવિધ ચીજો બનાવવામાં આવશે.
ધાર્મિક લાગણી ન દુભાય અને પર્યાવરણ દૂષિત ન થાય તે માટે પ્રયોગ: વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા કલેકટર નૈમેશ દવે દ્વારા આ વખતે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અનેક મંડળો દ્વારા ગણેશ વિસર્જન બાદ ગણપતિ બાપાને ચડાવવામાં આવેલા અનેક ફૂલો નદીમાં પધરાવી દેવામાં આવે છે જેથી નદીના પાણી દૂષિત બને છે એટલું જ નહીં વિસર્જન બાદ કેટલીક પીઓપીની મૂર્તિ પણ અર્ધ વિસર્જિત હાલતમાં નદી કિનારે તણાઈ આવે છે જેના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા થતી નથી, એટલે કે સંપૂર્ણપણે તે વિસર્જિત થતી નથી અને જેના કારણે નદી કિનારે આવતા પશુ તેમજ લોકોના પગો પણ અડી જાય છે આ સમસ્યાને દૂર કરવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
દરેક નદી કિનારેથી બાપ્પાને ચઢાવેલા ફૂલો એકત્ર કરાશે:વલસાડ શહેરમાં અનેક ગણેશ મંડળ દ્વારા આ વખતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, આઠ દિવસ, નવ દિવસ અને દસ દિવસ સુધી ગણપતિની સ્થાપના કર્યા બાદ તેમની ભક્તિ ભાવપૂર્વક પૂજન કરાય છે અને આ દિવસો દરમિયાન ભગવાનને દરરોજ ફૂલોની માળા અને વિવિધ ફૂલો અર્પણ કરાય છે, પરંતુ તે ફૂલો અંતે નદીમાં ફેંકી દેવાય છે. પાણી પ્રદુષિત બને છે જેને રોકવા ફૂલો એકત્ર કરી તેને રિસાયકલ કરી ને વિવિધ ચીજો બનાવટ માં ઉપયોગ લેવાશે.
જિલ્લા કલેકટર દ્વારા નવતર પ્રયોગ: વલસાડ જિલ્લામાં દર વર્ષે ફૂલો અને વિસર્જન બાદ પીઓપીની પ્રતિમાઓ ને ફરી વિસર્જિત કરાય છે, પરંતુ આ વખતે જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. દરિયા કિનારે અર્ધ વિસર્જિત પ્રતિમાઓ રિસાયકલમેનનું બિરુદ મેળવનાર વલસાડના બીનીસ દેસાઈને આપવામાં આવશે જેના દ્વારા બાપ્પાને ચઢાવેલા ફૂલો અને અર્ધ વિકસિત પીઓપી પ્રતિમાને ફરી રિસાયકલ કરીને તેમાંથી વિવિધ ક્રાફટની ચીજો બનાવવામાં આવશે.
કોણ છે આ રિસાયકલમેનનું બિરુદ મેળવનાર:ડો. બીનીસ રાજીવભાઈ દેસાઈ વલસાડના રહીશ છે. નાનપણથી જ તેમને પર્યાવરણ પ્રત્યે ખૂબ લગાવ હતો. જેઓ ત્યારે 11 વર્ષના હતા ત્યારે રિસાયકલ કરી ઈંટ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો હતો. 2018માં તેમને રિસાયકલમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ નવાજવામાં આવ્યા હતા. તેમના દ્વારા વિવિધ ચીજો જેને લોકો ફેંકી દે છે એનો ઉપયોગ કરી રિસાયકલ કરીને નવી ચીજો બનાવે છે. તેઓ પેન, ઘડિયાળના બેલ્ટ, ટી પ્લેટ, મગ, ટાઇલ્સ સહિત ફૂલોમાંથી રામ મંદિરની પ્રતિકૃતિ, પૂણેના દગડું શેઠ ગણેશજીના મંદિરની પ્રતિકૃતિ, શ્રી યંત્ર સહિત અનેક ચીજોનું નિર્માણ ફૂલોમાંથી કરી રહ્યા છે. તેઓ વલસાડ ગુંદલાવ ખાતે ઇકો ડેકોર નામથી પોતાની કંપની ચલાવી રહ્યા છે.