કચ્છ: પશ્ચિમ કચ્છમાં ગુજસીટોકનો પ્રથમ કેસ માંડવી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં કુખ્યાત આરોપી પુનશી આલા ગઢવી અને તેની ટોળકી ઉપર G.C.T.O.C નો કેસ કરવામાં આવ્યો છે. માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, સરકારી કર્મચારીઓ ઉપર હુમલો, સાર્વજનિક મિલ્કતને નુકસાન કરવા સહિતના ગુના આચરવામાં આવ્યા છે. પોલીસે કુલ 4 આરોપીઓની અટકાયત કરી છે.
પશ્ચિમ કચ્છમાં ગુજસીટોકનો પ્રથમ કેસ: પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા એક કરતા વધારે ગુનામાં પકડાયેલા આરોપીઓ ઉપર સતત વૉચ રાખવા માટે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના આપવામાં આવી છે અને આવા આરોપીઓ પકડાયા બાદ તમામનો ગુનાહિત ભૂતકાળ રેકર્ડ ઉપરથી ચેક કરી ઇન્ડીયન પીનલ કોડ એટલે કે હવે ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે અલગ અલગ કાયદા બનાવવામાં આવ્યા છે. જે મુજબ આવા આરોપીઓ વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી કરવા અંગેની સૂચના આપવામાં આવી હતી.
મોડસ ઓપરેન્ડી ધરાવતા આરોપીઓની અટકાયત: કચ્છ બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા કચ્છ જિલ્લામાં આયોજનબદ્ધ ગુનાઓ કરતી ટોળકી વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલા લઈને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક આર. ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ડી.ડી. શિમ્પી દ્વારા માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ જેઓ સિન્ડીકેટ બનાવી આયોજનબદ્ધ ગુનાઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજસીટોક એક્ટ હેઠળ આરોપીઓને શિક્ષા: મુખ્ય આરોપી પુનશી આલા ગઢવી પોતાની ટોળકી સાથે સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, સરકારી કર્મચારીઓ ઉપર હુમલો, સાર્વજનિક મિલકતને નુકસાન કરનાર તેમજ વારંવાર હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરીને સાથે મળી આયોજનબદ્ધ ગુનાઓ તેમજ સિન્ડીકેટ મુજબના ગુનાઓ આચરતા હતા. જેથી આ તમામ આરોપીઓ સામે ધ ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C) એકટ 2015 મુજબના શિક્ષાને પાત્ર છે. તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા છે.
પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો:ઉલ્લેખનીય છે કે, 4 આરોપીઓએ 16 નવેમ્બરની મધરાત્રે માંડવી પોલીસ સ્ટેશનમાં તલવાર, ફરસી, છરી અને ધોકા સાથે ધસી ગયા હતા, તેઓએ પોલીસ સ્ટેશનમાં ઉત્પાત મચાવીને PSO અને હેડ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપીના મિત્ર એવા પાંચોટિયાના લિસ્ટેડ વોન્ટેડ બૂટલગેરની કરેલી ધરપકડની અદાવત અને હરી ગઢવી સાથે થયેલા સાયબર ફ્રોડના આરોપીને પોલીસ પકડતી ન હોવાના મુદ્દે પુનશી અને તેનો નાનો ભાઈ હરી ગઢવી સાથે તેની ગેંગના અન્ય બે આરોપી શામળા થારુ ગઢવી અને ગોપાલ રામ મીંઢાણી સાથે મળીને ચારેય આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો હતો.