અમદાવાદ : બોપલ વિસ્તારમાં સ્થિત 22 માળની રહેણાંક બિલ્ડીંગમાં ગતરાત્રીએ આગ લાગવાની ઘટના બની હતી. જોકે, 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. કુલ 22 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 1 મહિલાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા 22 માળની રહેણાંક બિલ્ડિંગ 'ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગ' ના બી વિંગમાં 8મા માળે ભીષણ આગ લાગી હતી.
શું બન્યું હતું ?સમગ્ર ઘટના વિશે ETV BHARAT સાથે વાત કરતા બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. ટી. ગોહીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગતરોજ રાત્રે 'ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગ' માં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમ અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી હતી અને આગ પર કાબુ મેળવવા તથા લોકોને રેસ્ક્યુ કરવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા.
બિલ્ડિંગ અવર-જવર માટે બંધ : વધુમાં બી. ટી. ગોહિલે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અંદાજિત 30 જેટલા લોકોને તેમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને 29 જેટલા લોકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આગ પર કાબુ આવતા જ આખા બિલ્ડિંગને અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુ કરાયેલા લોકો માટે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેવાની સુવિધા આપવામાં આવી હતી.
FSL ટીમ ઘટનાની તપાસ કરશે: પોલીસ વિભાગ અને FSL ટીમ દ્વારા આગ કેવી રીતે લાગી હતી અને ટૂંક સમયમાં વિકરાળ આગ લાગવા પાછળ કયા કારણો હતા, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સોસાયટી પાસે પુરતા પ્રમાણમાં ફાયર સેફ્ટી હતી કે કેમ ? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.