અમદાવાદના ફતેવાડી સ્થિત એપોર્ટમેન્ટમાં ભીષણ આગ અમદાવાદ :ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલ મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગતાની સાથે ફ્લેટના રહીશો જાગી ગયા અને બૂમાબૂમ-ચીસાચીસ કરી મૂકી હતી. આગના બનાવમાં 39 જેટલા ટુ-વ્હીલર અને 3 રિક્ષા બળીને ખાક થઈ ગયા હતા. આ અંગે માહિતી મળતા 9 જેટલી ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગથી બચવા ધાબા પર ગયેલા 200 જેટલા લોકોનું ફાયરબ્રિગેડના જવાનોએ સફળ રેસ્ક્યુ કર્યું હતું.
ભીષણ આગનો બનાવ : ગત મોડી રાત્રે 3:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રોમેન્શન ફ્લેટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી છે. જેથી ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ઓફિસર સહિતના અધિકારીઓ નવ જેટલી ફાયરબ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
40 જેટલા વાહનો ભડથું થયા :ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા ટુ-વ્હીલર અને રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ બનાવમાં 39 જેટલા ટુ-વ્હીલર અને 3 રિક્ષા બળીને ખાક થઈ ગયા હતા.
સફળ રેસ્ક્યુ ઓપરેશન : આગ લાગવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ફ્લેટમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો અને દર્દીઓ હતા. આગનો ધુમાડો બીજા માળ સુધી પહોંચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર દોડી ગયા હતા. આગ લાગવાને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારીઓએ ત્યાં પહોંચીને લોકોને શાંત રહેવા કહ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનો ચાલુ આગમાં ધાબા પર પહોંચ્યા અને એક બાદ એક એમ તમામ લોકોને રેસ્ક્યુ કરી ધાબા પરથી સલામત નીચે લાવ્યા હતા.
- Ahmedabad Fire Accident: વિકાસ એસ્ટેટમાં 40 ફટાકડાના ગોડાઉનમાંથી માત્ર 17 પાસે જ લાયસન્સ
- Ahmedabad Fire Accident: બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં વિકરાળ આગ, 20 ફાયરવાન દોડી